કિશ્તવાડમાં પરિજનોની રાહ જોઈ રહેલા પરિજનોનો CM પર રોષ ઠાલવ્યો, કહ્યું – ‘તમે તમારી વાત નહીં, અમારી વાત સાંભળો’

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાથી સર્જાયેલી હોનારતમાં અનેક લોકોનાં જીવ ગયા છે , અત્યારસુધીમાં ૬૦ લોકોના મૃત્યુની સત્તાવાર પૃષ્ટિ કરવામાં આવી છે, જયારે અનેક લોકોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. પોતાના ગુમાવેલા સ્વજનોને શોધવા માટે હજુ પણ રાહ જોઈ રહ્યા છે.
છેલ્લા ત્રણ દિવસોથી કાટમાળની નીચે દટાયેલા લોકોના મૃતદેહની શોધખોળ ચાલી રહી છે, જો કે વારંવાર રેસ્ક્યુ ઓપરેશન રોકવામાં આવતા હજુ સુધી મૃતદેહો મળી શક્યા નથી. આ દરમિયાન એક યુવકે જમ્મુ કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા પર રોષ વ્યક્ત કર્યો હતો.
આપણ વાંચો: શું જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે? અનેક અટકળો બાદ ઓમર અબ્દુલ્લાએ આપી સ્પષ્ટતા
…તમે અમારી વાત સાંભળો
કિશ્તવાડ જિલ્લાના ચિશૌટીમાં ચાલી રહેલા બચાવ કાર્યનું નિરીક્ષણ કરવા જ્યારે મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લા ઘટનાસ્થળે પહોંચ્યા હતા, ત્યારે તેમને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોના સંબંધીઓએ અબ્દુલ્લા સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.
યુવકે મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લાને કહ્યું “અમને ખાલી મૃતદેહો આપી દો, અમારે બીજું કશું જ નથી જોઈતું. જો કે આ દરમિયાન ઓમર અબ્દુલ્લા તેની વાત કરતા યુવકે તેમને અટકાવ્યા હતા અને કહ્યું હતું કે તમે અમારી વાત સાંભળો, તમારી વાત ના કરો.
20માંથી ફક્ત 2 JCB કામ કરી રહી છે, તે પણ તમારા આવ્યા બાદ. એ પણ બંધ કરીને તમારો ઇન્ટરવ્યું આપી રહ્યા છો. ચિશોટી પદ્દર ખાતે રાજકીય નેતાઓની મુલાકાતને લોકોએ ‘ફોટો-ઓપ’ ગણાવ્યો હતો.
આપણ વાંચો: મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ મઝાર-એ-શુહાદાની દિવાલ કૂદીને ફાતિહા વાંચી; કહ્યું અમે ગુલામ નથી…
જો કે બાદમાં અબ્દુલ્લાએ તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે તેઓ પોતે પણ ઇચ્છે છે કે રેસ્ક્યુ ઓપરેશન જલ્દીમાં જલ્દી પૂર્ણ થાય. મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લાએ તેમને નજીકના એક ટેન્ટમાં તેમની ફરિયાદો સાંભળવા માટે આમંત્રિત પણ કર્યા, પરંતુ તેમાંથી કેટલાક લોકોએ આવવાની આનાકાની કરી હતી. ત્યારબાદ ઉમર અબ્દુલ્લા ત્યાંથી ચાલ્યા ગયા હતા. લોકો એ જાણવા માંગતા હતા કે તેમના પરિવારના સભ્યો જીવતા બચશે કે નહીં.
આપણ વાંચો: અમરનાથ યાત્રા વચ્ચે સીએમ ઓમર અબ્દુલ્લાનું મોટું નિવેદન, વ્યક્ત કરી આ ચિંતા
હું તેમનો ગુસ્સો સમજી શકું છું
પરત ફરતા સમયે ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, “હું તેમનો ગુસ્સો સમજી શકું છું. તેઓ છેલ્લા અનેક દિવસોથી તેમના ગુમ થયેલા પરિજનોની રાહ જોઈ રહ્યા છે. તેઓ જવાબ માંગે છે અને તેઓ જાણવા માંગે છે કે તેમના પરિજનો જીવિત છે કે કેમ? રેસ્ક્યુ ઓપરેશન અંગેની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે “અમે શક્ય તેટલા તમામ દળો તૈનાત કર્યા છે, પછી તે એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, જમ્મુ-કાશ્મીર પોલીસ કે સીઆઈએસએફ હોય.
અમે ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અને જ્યાં બચાવ કાર્ય શક્ય નથી, ત્યાં અમે ઓછામાં ઓછા મૃતદેહો બહાર કાઢીને તેમના પરિવારોને સોંપી દઈશું.”