‘બધા જ પ્લોટ પાછા લઇ લો.’ ઇડીએ ગાળિયો કસતા જ સિદ્ધારમૈયાની પત્નીએ MUDA કમિશનરને લખ્યો પત્ર

બેંગલૂરુઃ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા સામે EDએ કેસ નોંધ્યા બાદ હંગામો વધી ગયો છે. CMની પત્ની પાર્વતીએ મૈસુર ડેવલપમેન્ટ અર્બન ડેવલપમેન્ટ આથોરિટી (MUDA)ને પત્ર લખીને તેમને ફાળવાયેલા 14 પ્લોટ સરેન્ડર કરવાની ઇચ્છા જણાવી છે. તેમણે પત્રમાં લખ્યું હતું કે, ‘હું મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મને સોંપવામાં આવેલા 14 પ્લોટને પરત કરવા માંગુ છું. હું આ પ્લોટ્સનો કબજો પણ MUDAને પાછો આપુ છું. આ મામલે MUDAને હવે ત્વરિત પગલાં લેવા વિનંતી કરું છું.
તેમણે પોતાના પત્રમાં લખ્યું છે કે, મૈસુરમાં મારા પરિવાર સામે કરવામાં આવેલા આરોપોથી હું ખૂબ જ દુઃખી છું. મેં ક્યારેય કલ્પના કરી ન હતી કે મારા ભાઈ બાબુને કુટુંબના વારસામાં મળેલા પ્લોટથી આટલી હંગામો મચી જશે કે મારા પતિને આ મુદ્દાને કારણે ખોટા આરોપોનો સામનો કરવો પડી શકે છે. મારા માટે મારા પતિના માન, પ્રતિષ્ઠા અને માનસિક શાંતિ કરતાં કોઈ ઘર, પ્લોટ કે મિલકત વધુ મહત્ત્વની નથી. આટલા વર્ષો સુધી સત્તામાં રહ્યા પછી મેં ક્યારેય મારા કે મારા પરિવાર માટે કોઈ અંગત લાભ માંગ્યો નથી. તેથી, મેં આ વિવાદના કેન્દ્રમાં રહેલા 14 MUDA પ્લોટ પરત કરવાનો નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે લોકાયુક્તની એફઆઈઆરની નોંધ લેતા, EDએ MUDA કેસમાં સિદ્ધારમૈયા, તેમની પત્ની અને કેટલાક અન્ય લોકો સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ફેડરલ એજન્સીએ મુખ્ય પ્રધાન અને અન્યો સામે એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (ECIR) દાખલ કર્યો છે. EDએ સિદ્ધારમૈયા સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમો લગાવી છે. ECIR એ પોલીસ FIR જેવું જ છે. ED પાસે આરોપીઓને પૂછપરછ માટે સમન્સ કરવાનો અને તપાસ દરમિયાન તેમની સંપત્તિઓ જપ્ત કરવાનો અધિકાર છે.
સિદ્ધારમૈયા દ્વારા રાજીનામું આપવાનો ઇનકાર કરવા પર કોંગ્રેસના કોઈપણ નેતા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જો કે, સિદ્ધારમૈયાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે MUDA કેસમાં તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, કારણ કે વિપક્ષ તેમનાથી ડરી ગયો હતો. તેમણે એમ પણ કહ્યું હતુ કે તેમની સામે આ પ્રકારનો આ પહેલો રાજકીય કેસ છે. તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો કે અદાલતે આ કેસમાં તેમની સામે તપાસનો આદેશ આપ્યા પછી પણ તેઓ રાજીનામું આપશે નહીં, કારણ કે તેમણે કોઈ ખોટું કર્યું નથી. તેમણે કહ્યું હતું કે તેઓ આ કેસ કાયદાકીય રીતે લડશે. મૈસુર સ્થિત લોકાયુક્ત પોલીસ એસ્ટાબ્લિશમેન્ટે 27 સપ્ટેમ્બરે નોંધાયેલી એફઆઈઆરમાં સિદ્ધારમૈયા, તેમની પત્ની બીએમ પાર્વતી, સાળા મલ્લિકાર્જુન સ્વામી અને દેવરાજુનું નામ આપ્યું છે. સ્વામીએ દેવરાજુ પાસેથી જમીન ખરીદી હતી અને પાર્વતીને ભેટમાં આપી હતી.
જેઓને જાણ ના હોય તેમને માટે જણાવી દઇએ કે શું છે આ MUDA કૌભાંડનો મામલો?
તો જાણી લો કે MUDAએ વર્ષ 1992માં ખેડૂતો પાસેથી કેટલીક જમીન તેને રહેણાંક વિસ્તારમાં વિકસાવવા માટે લીધી હતી. પ્રક્રિયાના ભાગરૂપે તેને ખેતીની જમીનથી દૂર કરવામાં આવી હતી, પરંતુ 1998માં MUDA દ્વારા સંપાદિત જમીનનો એક ભાગ ખેડૂતોને પરત કરવામાં આવ્યો હતો. આ રીતે આ જમીન ફરી એકવાર ખેતીની જમીન બની ગઇ હતી. અત્યાર સુધી બધું બરાબર હતું. હવે આ વિવાદ વર્ષ 2004થી શરૂ થયો હતો, આ દરમિયાન સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીના ભાઈ બીએમ મલ્લિકાર્જુને વર્ષ 2004માં આ જ 3.16 એકર જમીન ખરીદી હતી.
આ સમયગાળા દરમિયાન, 2004-05માં, કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર હતી અને તે સમયે સિદ્ધારમૈયા ડેપ્યુટી સીએમ હતા. આ સમય દરમિયાન, તે પ્રકાશમાં આવ્યું હતું કે તે જ જમીન ફરી એકવાર ખેતીની જમીનથી અલગ કરવામાં આવી હતી, પરંતુ જ્યાં સુધી સિદ્ધારમૈયા પરિવાર જમીનની માલિકી લેવા માટે પહોંચ્યો ત્યાં સુધીમાં લેઆઉટ તૈયાર થઈ ચૂક્યો હતો.