નેશનલ

કેસીઆરના ખબરઅંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા સીએમ રેવંત રેડ્ડી

તેલંગાણા: વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ પૂર્વ સીએમ કેસીઆરની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા હતા. તેઓ 7 ડિસેમ્બરે ઓચિંતા જ પડી જવાને લીધે ઇજાગ્રસ્ત થયા હતા અને ત્યારથી તેઓ હોસ્પિટલમાં દાખલ છે. આજે સીએમ રેવંત રેડ્ડી તેમના ખબરઅંતર પૂછવા હોસ્પિટલમાં પહોંચ્યા હતા જેની તસવીરો પણ તેમણે સોશિયલ મીડિયામાં શેર કરી છે.

69 વર્ષના કેસીઆર તેમના ફાર્મહાઉસમાં અચાનક જ પડી ગયા હતા. આ પછી તેમને યશોદા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોકટરોનું કહેવું છે કે કેસીઆર હવે સ્વસ્થ છે અને તે થોડા સમયમાં ફરી પોતાનું કામ શરૂ કરી શકશે. તેમણે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી પણ કરાવી છે.

બેઠક દરમિયાન કોંગ્રેસ નેતા રેવંત રેડ્ડીએ કેસીઆરના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. ગત 3 ડિસેમ્બરે યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કેસીઆરની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિને કોંગ્રેસ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ પછી કેસીઆરની સાથે સીએમની ખુરશી પણ જતી રહી. જોકે, બે રાજકીય વિરોધીઓ વચ્ચે આવી મુલાકાત ભાગ્યે જ જોવા મળે છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન બંનેએ એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા હતા. રેવંત રેડ્ડી તેમની રાજકીય સફરમાં કેસીઆરની સાથે પણ રહ્યા છે, અને તેમની વિરુદ્ધ અનેક દાવપેચ પણ રમ્યા છે. જો કે બંનેનું રાજકીય કનેક્શન પણ એક જ છે, અને તે છે ટીડીપી સાથેનું તેમનું જોડાણ. જ્યારે તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર હતા ત્યારે અનેકવાર રેવંત રેડ્ડીએ તેમની સામે પડ્યા હતા. રેવંત રેડ્ડીએ કેસીઆરના ફાર્મહાઉસમાં ગેરકાયદે ડ્રોન શૂટિંગ કરાવ્યું હતું, આ બદલ તેઓ જેલભેગા પણ થયા હતા. તેમણે કેસીઆરને કૌભાંડી ગણાવ્યા હતા અને સતત કેસીઆર સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. તો કેસીઆરએ પણ રેવંત રેડ્ડીને રાજકીય નુકસાન પહોંચાડવામાં કોઇ કસર છોડી નથી. જો કે હવે બંને નેતાઓ એકબીજાના ઘનિષ્ઠ સંબંધી હોય તેવું વર્તન કરી રહ્યા છે, જે દર્શાવે છે કે રાજકારણમાં કંઇપણ નક્કી નથી હોતું, કોણ દુશ્મન બને અને કોણ દોસ્ત બને, કંઇ કહી શકાય નહિ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button