મણિપુરમાં હિંસાની ઘટનાઓ બાદ રાજ્યપાલને મળ્યા CM, મેમોરેન્ડમ સોંપ્યું
ઇમ્ફાલઃ મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહ આજે તેમની કેબિનેટ મંત્રીઓ સાથે રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને મળ્યા હતા અને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું, એવું રાજભવને એક નિવેદનમાં જણાવ્યું હતું. બેઠક દરમિયાન 20થી વધુ વિધાનસભ્ય ઉપરાંત સિંહની સાથે વિધાનસભાના સ્પીકર થોકચોમ સત્યબ્રત સિંહ પણ હતા.
પ્રતિનિધિમંડળ સવારે 11 વાગ્યે રાજભવન પહોંચ્યું અને લગભગ એક કલાક સુધી બેઠક ચાલી હતી. આ બેઠક રાજ્યમાં હિંસાની તાજેતરની ઘટના વચ્ચે યોજાઇ હતી જેમાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા હતા.જોકે મેમોરેન્ડમને લઇને વધુ જાણકારી આપવામાં આવી નથી.
અગાઉ મુખ્ય પ્રધાન શનિવારે પણ રાજ્યપાલને પણ મળ્યા હતા અને તેમને પરિસ્થિતિ વિશે જાણકારી આપી હતી. નોંધનીય છે કે જિરીબામ જિલ્લામાં પાંચ લોકો માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ઉગ્રવાદીઓ એક વ્યક્તિના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેની ઊંઘમાં ગોળી મારીને હત્યા કરી હતી. હત્યા બાદ બે જૂથો વચ્ચે ફાયરિંગ થયું હતું જેમાં ચારના મોત થયા હતા.
જિરીબામ જિલ્લામાં જાતીય હિંસાની ઓછી ઘટનાઓ બની હતી. જૂનમાં એક સમુદાયના 59 વર્ષીય વ્યક્તિની કથિત રીતે અન્ય સમુદાયના ઉગ્રવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવ્યા પછી હિંસા ફાટી નીકળી હતી. બાદમાં બંને પક્ષોએ ઘરોમાં આગ લગાવી હતી. જેના કારણે હજારો લોકોને રાહત શિબિરોમાં આશ્રય લેવો પડ્યો હતો.