દુર્ગાપૂજા માટે મમતા સરકારે ખોલ્યો દાનનો પિટારો, ઘણી મોટી જાહેરાતો કરી
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ દુર્ગા પૂજાનું આયોજન કરતી સમિતિઓ અને ક્લબો માટે દાનની રકમમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. આગામી દુર્ગા પૂજા ઉત્સવની તૈયારીઓની સમીક્ષા કરવા માટે અહીંના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં એક વહીવટી બેઠકની અધ્યક્ષતા કરતા મમતા બેનરજીએ મંગળવારે જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટની રકમ 70 હજારથી વધારીને 85 હજાર રૂપિયા કરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગયા વર્ષની જેમ આ વખતે પણ પૂજા આયોજકોએ આગ સલામતીનાં પગલાં સહિત કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ ઉપરાંત મમતા સરકારે આવતા વર્ષે આ રકમ વધારીને 1 લાખ રૂપિયા કરવાનું વચન પણ આપ્યું છે. એકલા કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં લગભગ 3000 કોમ્યુનિટી ક્લબ છે.
જ્યારે, દર વર્ષે રાજ્યભરમાં લગભગ 40000 સ્થળોએ દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ટીએમસી સરકાર દુર્ગા પૂજા માટે ઓછામાં ઓછા 340 કરોડ રૂપિયાનું દાન કરશે. મમતા બેનરજીએ દુર્ગા પૂજાના તહેવાર દરમિયાન લોકોની સલામતીની વ્યવસ્થા પર પણ ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે દરેક સ્થળે ભીડ માટે મોટા અને વધારાના પ્રવેશદ્વારોની વ્યવસ્થા રાખવી જોઇએ. દરેક સ્થળે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ રહેવી જોઇએ. ટ્રાફિકમાં કોઇ અવરોધ ના થાય તેવા પગલા પણ સુનિશ્ચિત કરવા તેમણે આયોજકોને આદેશ આપ્યો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્ય પ્રધાને પૂજા સમિતિઓ માટે વીજળી બિલમાં મુક્તિ સહિત અન્ય ઘણી સુવિધાઓની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાને CESC અને રાજ્ય વીજળી વિતરણ બોર્ડનેઆ વખતે પૂજા સમિતિઓને વીજળીના બિલમાં 75 ટકા ડિસ્કાઉન્ટ આપવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે ગયા વર્ષે પૂજા સમિતિઓને વીજળીના બિલમાં 66 ટકા ડિસ્કાઉન્ટ મળ્યું હતું.
સંસદમાં રજૂ કરવામાં આવેલા મોદી સરકાર 3.0ના પહેલા સંપૂર્ણ બજેટ પર મમતા બેનરજીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ”બજેટમાં અમને કંઈ મળ્યું નથી. પરંતુ અમે હંમેશા લોકો સાથે રહેવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીએ છીએ. આનાથી વધુ ગરીબ સરકાર શું કરી શકે?”
વર્ષ 2018માં મમતા બેનર્જી સરકારે દુર્ગા પૂજા માટે આર્થિક મદદ શરૂ કરી હતી, ત્યારે આ રકમ પ્રતિ ક્લબ 10 હજાર રૂપિયા હતી. વર્ષ 2022માં સહાયની રકમ વધારીને 60,000 રૂપિયા કરવામાં આવી હતી.
Also Read –