નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન આવાસમાં સાંસદ સ્વાતિ માલીવાલ(Swati Maliwal) પર કથિત રીતે થયેલી મારપીટના કેસમાં નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી સ્વાતિ સીએમ કેજરીવાલના પર્સનલ આસિસ્ટન્ટ વિભવ કુમાર(Bibhav Kumar) પર આરોપ લગાવતી હતી. પરંતુ હવે વિભવ કુમારે સ્વાતિ માલીવાલ સામે પણ ફરિયાદ નોંધાવી છે. વિભવ કુમારે ફરિયાદમાં સ્વાતિ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે સ્વાતિ માલીવાલે 13 મેના રોજ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનની સુરક્ષાનો ભંગ કર્યો હતો અને અનધિકૃત પ્રવેશ કર્યો હતો અને ત્યાં હોબાળો મચાવ્યો હતો, તેમનો ઈરાદો સીએમ કેજરીવાલને નુકસાન પહોંચાડવાનો હતો.
દરમિયાન, સ્વાતિ માલીવાલે X પર પોસ્ટ કરી આરોપ સીસીટીવી ફૂટેજ સાથે છેડછાડ થઇ રહી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે લખ્યું કે સમાચાર મળ્યા છે કે આ લોકો ઘરના સીસીટીવી સાથે છેડછાડ કરી રહ્યા છે.
આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે જ્યારે વિભવ કુમારે સ્વાતિ માલીવાલને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે સ્વાતિએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો.
વિભવ કુમારે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનના SHOને ઈ-મેલ દ્વારા મોકલેલી ફરિયાદમાં કહ્યું કે હવે માલીવાલ ખોટા આરોપો લગાવીને તેમને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુખ્ય પ્રધાન આવાસમાં મારપીટ કરી હોવાનો આરોપ ખોટો છે. બિભવે ફરિયાદની એક નકલ ડેપ્યુટી પોલીસ કમિશનર (નોર્થ)ને પણ મોકલી છે.
AAPના નિવેદન અનુસાર, બિભવ કુમારે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે સ્વાતિ માલીવાલે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનની સુરક્ષાનો ભંગ કર્યો અને ત્યાં બળજબરીથી ઘૂસીને હોબાળો મચાવ્યો. ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે માલીવાલ હવે તેમને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી તેમના પર દબાણ લાવી શકાય.
વિભવ કુમારે નોંધાવેલી ફરિયાદ મુજબ 13 મેના રોજ સ્વાતિ માલીવાલ સુરક્ષાકર્મીઓને એમ કહીને કેજરીવાલના ઘરમાં પ્રવેશી હતી કે તે રાજ્યસભા સાંસદ છે. સુરક્ષા અધિકારીએ માલીવાલને તેની વિગતોની ચકાસણી ન થાય ત્યાં સુધી રાહ જોવાની વિનંતી કરી હોવા છતાં, તે બળપૂર્વક મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનમાં પ્રવેશી હતી. વિભાવ કુમાર સવારે 9:22 વાગ્યે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનની મુખ્ય ઇમારતમાં પ્રવેશ્યા ત્યારે તેમણે માલીવાલને ડ્રોઇંગ રૂમમાં બેઠેલા જોયા.
વિભાવ કુમારે માલીવાલનો સંપર્ક કર્યો અને નમ્રતાપૂર્વક તેમને મુખ્ય પ્રધાનને મળવા માટે યોગ્ય પ્રક્રિયા અનુસરવા વિનંતી કરી. આના પર, માલીવાલે બૂમો પાડવાનું શરૂ કર્યું અને વિભાવ કુમારને અપશબ્દો બોલવા લાગ્યા. સ્વાતિએ કહ્યું, ‘તમારી હિમ્મત કેવી રીતે થઇ…એક સાંસદને રોકવાની.’ ? માલીવાલે તેમની અપીલની અવગણના કરી અને ડ્રોઈંગ રૂમમાંથી નિવાસસ્થાનના અંદર જવા લાગી.
વિભવ કુમારે ફરિયાદમાં દાવો કર્યો હતો કે માલીવાલનો ઈરાદો કેજરીવાલને નુકસાન પહોંચાડવાનો હતો માલીવાલ ગુસ્સે થઈને સોફા પર બેસી ગયા અને પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો. જ્યારે વિભવ સ્વાતિ માલીવાલને મુખ્ય પ્રધાન નિવાસસ્થાન છોડવાની વિનંતી કરી, ત્યારે AAP સાંસદે કહ્યું, “હું તને જોઈ લઈશ… હું તને એવા ખોટા કેસમાં ફસાવીશ કે તને જીવનભર જેલમાં નાખી દઈશ. “
વિભવ કુમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, “તમને (એસએચઓ) માલીવાલ સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવે છે કારણ કે આ ચૂંટણીનો સમય છે, આ બધું બીજેપીના કહેવા પર થઈ રહ્યું છે અને તેથી માલીવાલના કોલ રેકોર્ડ ચેક કરવાની વિનંતી છે.”