નેશનલ

અંબાલાલ પટેલની અગમવાણીના ડાકલાથી ધૂણશે વાદળાં : કેડો નહીં જ મૂકે આ વરસાદ

ગુજરાતમાં હજુ પણ આવતા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દેશભરમાં હજુ ઘેઘૂર વાદળ મંડારાયેલા છે અને કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે ગુજરાત પણ પાછળ નથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અગમવાણીના ડાકલા વગાડતા વાદળો હવે બથમ-બથ્થાં આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. અંબાલાલ કહે છે તેમ 22 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ફરીથી એક મોટો રાઉન્ડ વરસાદ આવશે.જે શરૂઆતી નવરાત્રીના દિવસોની મજા બગાડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલું લૉ-પ્રેશર વધારે મજબૂત બની પશ્ચિમ બંગાળ પરથી આગળ વધીને મધ્ય ભારત પર આવી શકે છે. જો આ સિસ્ટમ મધ્ય પ્રદેશ પર આવીને વિખેરાઈ જાય એટલે કે નબળી પડી જાય તો ગુજરાતમાં તેની અસર ઓછી થશે. આ સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાતની નજીક પહોંચી શકે છે. જેના કારણે ફરીથી ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

ભાદરવાના કડક-ભડક તડકાથી હજુ રાહત સાથે કૃષિકારોને ચિંતારૂપ વાત જરૂર છે પણ, વાદળોની લૂપાછૂપી અંબાલાલ પટેલને વરતારા માટે મજબૂર કરે છે. અંબાલાલ પટેલે ઊંડો શ્વાસ ભરીને આ ચિંતાજનક આગાહી કરી છે. ઉપર જે સિસ્ટમ સક્રિય થવા જઇ રહી છે તેનું પરિણામ, હવામાન પર વિપરીત અસર કરશે અને ભાદરવાના તડકામાં ગાદલાં-ગોદડા તડકે મૂકવાનું વિચારતા લોકોએ હજુ પણ એક અઠવાડિયું કદાચ રાહ જોવી પડે તો નવાઈ નથી. આમ તો ભાદરવાની શરૂઆત થઈ ગઈ છે, ગુજરાતમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ અને પદયાત્રાળુઓ પણ તૈયાર થયા છે. પણ અંબાલાલની આગાહી એક રીતે પદયાત્રીઓ માટે રાહત બની શકે છે.

ગુજરાત ના માથે હજુ ભારે વાવાઝોડું વરસાદ ભમરાયા કરે છે. અંબાલાલ પટેલે અગાઉ પણ અતિ ભારેની આગાહી કર્યા બાદ હવે પટેલે ગુજરાતનો કેડો મૂકી આસામ, મધ્ય પ્રદેશ જેવા રાજ્યો તરફ અંગુલિ નિર્દેશ કરીને કહ્યું છે કે, જે સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થયું હતું તેવી જ કઈક પરિસ્થિતિનું નિર્માણ હવે આ રાજ્યોમાં થશે. તમને જણાવી દઈએ કે, વરતારાને પગના અંગૂઠાથી દબાવીને પણછ ખેંચતા અંબાલાલ પટેલ વાદળોને ભેદીને વરસાદની નાભીમાં તીર મારવા માટે જાણીતા છે.

ગુજરાતમાં ભારે ગરમી, લૂ કે પછી કડકડતી ઠંડી પાડવાની હોય કે ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય,હવામાન વિભાગથી પણ આગોતરી ભવિષ્યવાણીથી ગુજરાતભરના ખેડૂતો-નાગરિકોની સેવા કરતાં અંબાલાલ પટેલથી આજે જણ-બચ્ચું અજાણ નથી. હવામાં હાથ લહેરાવી,હવાને મુઠ્ઠીમાં ભરીને દિવસ કે સપ્તાહ કેવા વિતશે તેવું અંબાલાલનું અનુમાન ભાગ્યે જ અફર રહ્યું છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button