સિક્કિમમાં વાદળ ફાટ્યું: આઠનાં મોત, 23 સૈનિક ગુમ
ગંગટોક : ઉત્તર સિક્કિમમાં લોનાક સરોવર પર વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું હતું, પરિણામે બુધવારે આઠના વ્યક્તિઓના મોત થયા હતા અને સેનાના 23 જવાનો તણાઇ ગયા હતા. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીએ જણાવ્યું હતું કે ડેમમાંથી વધારાનું પાણી છોડવાને કારણે મધરાતે દોઢ વાગ્યાની આસપાસ પૂરની શરૂઆત થઈ હતી. બચાવ અને રાહત પ્રયાસો દરમિયાન
સિંગતમમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા.
`લોનાક સરોવરના વિસ્તારોમાં વાદળ ફાટવાથી બુધવારની વહેલી સવારે તિસ્તા નદીના તટપ્રદેશમાં ખૂબ જ ઊંચા વેગ સાથે પાણીના સ્તરમાં વધારો થયો હતો’, જેના કારણે મંગન, ગંગટોક, પાક્યોંગ અને નામચી જિલ્લામાં ઘણી સંસ્થાઓને નુકસાન થયું હતું.
સિક્કિમના ચાર જિલ્લામાં આવેલી તમામ શાળાઓ 8 ઑક્ટોબર સુધી બંધ રહેશે.
સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં 15-20 ફૂટ ઊંચાઈ સુધી પાણીના સ્તરમાં અચાનક વધારો થયો હતો. જેના કારણે સિંગતમ નજીક બરડાંગ ખાતે પાર્ક કરાયેલા આર્મી વાહનોને અસર થઈ છે.
સૈન્યના 23 જવાનો ગુમ થયા હોવાના અહેવાલ છે અને 41 વાહનો કાદવમાં ડૂબી ગયા છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનએ પહેલાથી જ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે અને અત્યાર સુધીમાં 80 સ્થાનિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
મુખ્ય પ્રધાન પી.એસ. તમંગે સિંગતામની મુલાકાત લીધી હતી અને તિસ્તા નદીના તટપ્રદેશમાં આવેલા અચાનક પૂરને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
તેમણે કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં તેમના વિચારો અને પ્રાર્થનાઓ બધાની સાથે છે.