દિલ્હીમાં Amit Shah & Ajit Pawar વચ્ચે બંધ બારણે મુલાકાત, હવે નવી અટકળો તેજ
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં મહાયુતિને મળેલી જીત બાદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર (Ajit Pawar) અચાનક જ દિલ્હી પહોંચ્યા હતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Home Minister Amit Shah) સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે થયેલી ઓચિંતી મુલાકાતને પગલે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર શરૂ થયો છે.
જોકે, હજી સુધી સત્તાવાર રીતે બંને વચ્ચે કઇ બાબતે મુલાકાત થઇ અને શું ચર્ચા થઇ તે વિશે કોઇ જાણકારી નથી. બંને વરિષ્ઠ નેતાઓની વચ્ચે મહારાષ્ટ્રમાં પ્રધાનમંડળના વિસ્તારની સાથે સાથે વિધાન પરિષદની ચૂંટણીના પરિણામો અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને વાતચીત થઇ હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો : મોદી ગતિશક્તિનું પ્રતિક: એકનાથ શિંદે
વિધાન પરિષદની ચૂંટણીની 11 બેઠક માટે થયેલી ચૂંટણીના પરિણામો શુક્રવારે બહાર પડ્યા હતા. જેમાં મહાયુતિએ સારો દેખાવ કરતા વિજય મેળવ્યો હતો. આ ચૂંટણીમાં ભાજપના પાંચ ઉમેદવારે જીત મેળવીને શરદ પવાર જૂથને ઝટકો આપ્યો હતો. જ્યારે અજિત પવાર જૂથની એનસીપી અને એકનાથ શિંદેની શિવસેનાએ બે-બે બેઠકો પણ જીત મળી હતી.
આ બેઠક પૂરી થતા તરત જ અજિત પવાર મુંબઈ પાછા આવવા માટે રવાના થઇ ગયા હતા. બંને નેતાઓ વચ્ચે બંધ બારણે વાતચીત થઇ હતી એટલે ખરેખર શું તેમની વચ્ચે શું વાતચીત થઇ એ હજી રહસ્ય જ છે. લોકસભાની ચૂંટણીમાં અજિત પવારને કાકા શરદ પવારની એનસીપીએ મોટો ફટકો બેસાડ્યો હતો. અજિત પવારનો પક્ષ ફક્ત એક જ બેઠક જીતી શક્યો હતો. જોકે, વિધાન પરિષદની ચૂંટણીમાં બેઠકો જીતીને હવે અજિત પવારે કાકાને ઝટકો આપ્યો હતો. વિધાન પરિષદની ચૂંટણી બાદ લોકસભાની ચૂંટણીના પરિણામોને પગલે હતાશ થયેલી મહાયુતિમાં એક નવી સ્ફુર્તિ આવી હોવાનું પણ જણાય છે.
12 વિધાનસભ્યને મળી શકે પ્રધાનમંડળમાં સ્થાન?
પ્રધાન મંડળના વિસ્તારને લઇને હિલચાલ શરૂ થઇ હોવાનું જણાય છે ત્યારે 12 વિધાનસભ્યોને પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી ચર્ચા છે. પ્રધાનમંડળના સ્થાન મેળવવા માગતા તેમ જ અન્ય સરકારી સંસ્થાઓના અધ્યક્ષ બનવા માગતા ઇચ્છુકોને પગલે વરિષ્ઠ નેતાઓ પર પણ દબાણ હોવાનું જણાય છે. જો સ્થાન ન મળે તો નારાજ થયેલા નેતાઓ અને પદાધિકારીઓ નારાજ થાય અને તેની અસર વિધાનસભાની ચૂંટણી પર થઇ શકે તેવી પણ શક્યતા છે. એવામાં ચૂંટણીને ફક્ત બે-ત્રણ મહિનાનો સમય હોઇ પ્રધાન મંડળનો વિસ્તાર કરવો કે નહીં એ બાબતે પણ અસમંજસ છે.