ભારતીય દૂતાવાસ બંધ કરો, વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને ભારતની મુલાકાત વખતે આવ્યો ધમકીભર્યો કોલ…
ઓટાવા: કેનેડિયન આતંકવાદી જૂથે આજે ભારતને ઓટાવામાં ભારતીય દૂતાવાસને બંધ કરવા અને હાઈ કમિશનર સંજય કુમાર વર્માને પાછા બોલાવવા માટે અન્ય એક ધમકીભર્યો કોલ કર્યો હતો. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો જ્યારે ભારતની મુલાકાતે આવ્યા હતા અને નરેન્દ્ર મોદી સાથે તેમની બેઠક ચાલુ હતી તે દરમિયાન આ કોલ આવ્યો હતો. ધમકીનો આ કોલ આવ્યો ત્યારે ટ્રુડો તેમના એરબસ પ્લેનમાં ખરાબીના કારણે ભારતમાં રોકાયેલા હતા. G20 લીડર્સ સમિટ માટે ભારત આવેલા કેનેડિયન પીએમ આ કોલ બાદ G20 ગાલા ડિનરમાં પણ હાજર નહોતા રહ્યા.
ધમકી આપનાર આતંકવાદી જૂથે કહ્યું હતું કે ટ્રુડોના અપમાન માટે પીએમ મોદીની સરકાર જવાબદાર છે. છેલ્લા 48 કલાકમાં આ બીજો ધમકીભર્યો કોલ હતો. જૂથે જણાવ્યું હતું કે પીએમ મોદીએ તેમના રાજદૂતોને પાછા બોલાવી લેવા જોઇએ નહીતો તેમને તેના પરિણામ ભોગવવા પડશે. કેનેડામાં જે રીતે આતંકવાદીઓની ગતિવિધિઓ વધી રહી છે તેના પર ભારત સરકારે અગાઉ પણ નારાજગી વ્યક્ત કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને ત્યાંના આતંકવાદ માટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે આતંકવાદ રાજદ્વારીઓ સામે હિંસા ભડકાવી રહ્યા છે અને ત્યાંના ભારતીય સમુદાયને હેરાન કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે G20 સમિટની બાજુમાં ટ્રુડો સાથેની વાતચીતમાં મોદીએ એ પણ આ બાબત ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ભારત-કેનેડાના સારા સંબંધો માટે પરસ્પર સન્માન અને વિશ્વાસ પર આધારિત સંબંધ જરૂરી છે.
વડા પ્રધાને ખાસ જણાવ્યું હતું કે ભારત-કેનેડા સંબંધો સહિયારા લોકતાંત્રિક મૂલ્યો, કાયદાના શાસનનું સન્માન અને બંને દેશોના લોકો વચ્ચે મજબૂત સંબંધો પર આધારિત છે. ત્યારે સંગઠિત અપરાધ, ડ્રગ ગેંગ અને માનવ તસ્કરી સાથે આવા દળોની સાંઠગાંઠ કેનેડા માટે પણ ચિંતાનો વિષય હોવો જોઈએ. આ પ્રકારના ખતરાનો સામનો કરવા માટે બંને દેશોએ એકબીજાનો સહયોગ કરવો જરૂરી છે.