નેશનલ

12 પાસ છોકરાએ જ હાઈકોર્ટમાં પોતાનો કેસ લડ્યો, દલીલ સાંભળ્યા બાદ જજે કહ્યું કે….

ભોપાલઃ મધ્ય પ્રદેશની એક કોર્ટમાં જબલપુરના 19 વર્ષના અથર્વ ચતુર્વેદીને કારણે હવે વિદ્યાર્થીઓ ખાનગી મેડિકલ કૉલેજોમાં EWS આરક્ષણનો લાભ મેળવી શકશે. અથર્વની અરજી પર સુનાવણી કરતા અહીંની હાઇ કોર્ટે આ ચૂકાદો આપ્યો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ સુનાવણી દરમિયાન 19 વર્ષના અથર્વ ચતુર્વેદીની દલીલો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આપણે વિગતે જાણીએ.

EWS ક્વોટા હેઠળ ખાનગી મેડિકલ કોલેજમાં એડમિશન ન મળતા એક યુવકે કોર્ટમાં અરજી કરી હતી. તેણે પોતાનો કેસ જાતે જ લડ્યો હતો અને તેમાં તેણે જીત પણ મેળવી હતી. હાઇ કોર્ટના જજ પણ તેની દલીલોથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે તેમણે તેને ડૉક્ટરને બદલે વકીલ બનવાની ભલામણ કરી હતી.

અથર્વએ 12મું પૂર્ણ કર્યા બાદ NEETમાં 530 માર્ક્સ મેળવ્યા હતા. તેને વિશ્વાસ હતો કે તેને EWS ક્વોટા હેઠળ ખાનગી મેડિકલ કોલેજમાં એડમિશન મળી જ જશે.

જો કે, કાઉન્સેલિંગના છેલ્લા રાઉન્ડ સુધી પણ તેને કશે એડમિશન મળ્યું નહોતું. તેણે તપાસ કરી તો જાણવા મળ્યું કે ખાનગી મેડિકલ કૉલેજોમાં EWS ક્વોટાનો અમલ કરવામાં આવતો નથી. અન્ય આરક્ષણ વર્ગો – SC, ST, વિકલાંગ કેટેગરી માટે આરક્ષણ રાખવામાં આવે છે. અથર્વએ તેના પિતાને આ અંગે વાત કરી અને કોર્ટમાં કેસ દાખલ કરવાનો નિર્ણય લીધો. અથર્વના પિતા મનોજ ચતુર્વેદી વકીલ છે. તેમણે જ પ્રથમ સુનાવણીમાં દલીલ કરી હતી, પરંતુ કેટલીક ટેક્નિકલ ભૂલોને કારણે અથર્વે પોતે જ કોર્ટમાં પોતાનો કેસ રજૂ કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો : Ahmedabad થી ભોપાલ જતી લકઝરી બસ અને ટ્રેલર વચ્ચે ભથવાડા ગામ પાસે અકસ્માત, 11 મુસાફરો ઘાયલ

અથર્વએ કાયદા અને તેની જોગવાઇઓનો ઉંડાણથી અભ્યાસ કર્યો. કેસ સંબંધિત ન્યાયિક નિર્ણયો અને ગેઝેટ સૂચનાઓ વાંચી અને પોતાના કેસમાં દલીલો કરી. મનોજ ચતુર્વેદીએ જણાવ્યું કે અથર્વ હંમેશા અભ્યાસમાં તેજસ્વી રહ્યો છે. તેથી તેણે જ્યારે કોર્ટમાં દલીલ કરવાનો નિર્ણય લીધો તો મને કોઇ ચિંતા નહોતી થઇ.

અથર્વે જણાવ્યું હતું કે તે આ કેસ સાથે જોડાયેલો હતો, કારણ કે આ ઘટના તેની સાથે જ ઘટી હતી. તેની સાથે જ ખોટું કરવામાં આવ્યું હતું, તેથી તેની પાસે સરકારી વકીલની દરેક દલીલનો જવાબ હતો. કેસ દરમિયાન પપ્પાએ પણ તેને માર્ગદર્શન આપ્યું હતું.

કોર્ટમાં સુનાવણી દરમિયાન જ્યારે મનોજ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે અરજદાર પોતે દલીલ કરવા માંગે છે. એ સમયે પાછળની બેંચ પર બેઠેલા એક જુનિયર વકીલે ટોણો માર્યો હતો કે હવે બાળકો પણ કોર્ટમાં દલીલ કરશે, પણ જ્યારે અથર્વ કેસમાં દલીલ કરવા ઊભો થયો અને જે રીતે તર્કસંગત દલીલો રજૂ કરી કે વકીલો અને જજ પણ પ્રભાવિત થઇ ગયા. જજને જ્યારે ખબર પડી કે અથર્વ NEETની તૈયારી કરી રહ્યો છે ત્યારે ચીફ જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ વિવેક જૈને અથર્વની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, તમે આટલી સરસ દલીલ કરો છો. આ કોર્ટરૂમ ફક્ત તમારા માટે જ બનાવવામાં આવ્યો છે. તમે ખોટા ક્ષેત્રમાં જઈ રહ્યા છો એમ મને લાગે છે. તમારે વકાલતના ક્ષેત્રમાં જ આગળ વધવું જોઇએ.

હાઈકોર્ટે અથર્વની તરફેણમાં ચુકાદો આપતાં રાજ્ય સરકારને આગામી શૈક્ષણિક સત્રથી ખાનગી મેડિકલ કોલેજોમાં EWS ક્વોટા માટેની બેઠકો વધારવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, આ નિર્ણય છતાં અથર્વને હજુ સુધી મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું નથી, જેથી તે હવે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યો છે.

અથર્વનું આ સાહસિક પગલું દરેક યુવાનો માટે પ્રેરણારૂપ છે. પોતાની હિંમત અને પ્રતિબદ્ધતાના બળ પર અથર્વે સાબિત કર્યું છે કે સાચા માર્ગ પર ચાલવામાં ઉંમરનો કોઈ અવરોધ નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button