નેશનલ

સતત છઠ્ઠા દિવસે સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ

સુરેશ એસ. ડુગ્ગર
જમ્મુ: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગ પહાડી વિસ્તારમાં છેલ્લા સતત છ દિવસથી સેના અને આતંકવાદી વચ્ચે ચાલી રહેલી અથડામણ સમસ્યા બની ગઈ છે.
અથડામણના ૧૫૦ જેટલા કલાક બાદ પણ સુરક્ષા દળ આતંકવાદીઓના મૃત્યુને સમર્થન આપવાની સ્થિતિમાં નથી. જોકે, રવિવારે મોડી રાત્રે સેનાના જવાનોને એક ખૂબ જ ખરાબ રીતે સળગી ગયેલો મૃતદેહ મળ્યો હતો.
આ મૃતદેહ અંગે કોઈપણ પ્રકારનો દાવો કરતા અગાઉ તેનું ડીએનએ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
આ મૃતદેહ આતંકવાદી ઉજૈર
ખાનનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉજૈર ખાનના પરિવારજનોના ડીએનએના નમૂનાને આધારે મૃતદેહની ઓળખની તપાસ કરવામાં આવશે.
કોકરનાગમાં ૧૩ સપ્ટેમ્બરે આતંકવાદીઓ સાથેની અથડામણમાં ત્રણ સુરક્ષા અધિકારી શહીદ થયા હતા.
લશ્કરે તૈયબા સાથે સંકળાયેલા ડીઆરએફ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
જેના નામ પર રૂ. ૧૦ લાખના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી તે ઉજૈર ખાનનો આ હુમલામાં હાથ હોવાનું માનવામાં આવે છે.
ઉજૈર ખાન સ્થાનિક આતંકવાદી છે અને તે કોકરનાગના નૌગમ ગામનો રહેવાસી છે. જૂન ૨૦૨૨થી તે લશ્કરે તૈયબા સાથે સંકળાયેલો છે.
એક અહેવાલ મુજબ આતંકવાદીઓ ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યા છે. જોકે, ડ્રોન દ્વારા લેવામાં આવેલી તસવીરોને આધારે અધિકારીઓ કહી રહ્યા છે કે આતંકવાદીઓના મૃતદેહ ગુફાની બહાર પડેલા નજરે પડી રહ્યા છે.
અથડામણના છ દિવસ બાદ પણ સુરક્ષા દળના જવાનો એ સ્થળ સુધી પહોંચવામાં સફળ નથી થઈ શક્યા.
કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણ આટલી લાંબી ચાલી હોય એવી આ પ્રથમ ઘટના નથી. ડઝનબંધ વાર આવું બન્યું છે, પરંતુ એક સાથે ત્રણ વરિષ્ઠ અધિકારી શહીદ થયા હોય તેવી આ પહેલી ઘટના છે. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button