JNUમાં ABVP અને Left જૂથો વચ્ચે ફરી અથડામણ, એક વિદ્યાર્થીએ સાઈકલ ફેંકીને મારી, જુઓ વિડીયો
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં આવેલી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે ફરી એકવાર મારામારીની ઘટના બની હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને ડાબેરી સમર્થિત વિદ્યાર્થી જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. સ્કૂલ ઓફ લેંગ્વેજમાં ચૂંટણી સમિતિના સભ્યોની પસંદગી અંગેના વિવાદ અંગે વિદ્યાર્થીઓના જૂથો વચ્ચે શાબ્દિક ઝઘડો થયો હતો, ત્યાર બાદ સ્થિતિ કાબુની બહાર જતા, ઝઘડો હિંસક બન્યો હતો.
યુનિવર્સિટીના એક અધિકારીએ જણાવ્યું કે ઘાયલ વિદ્યાર્થીઓને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક શખ્સ કેટલાક વિદ્યાર્થીઓને લાકડી વડે મારતો જોવા મળે છે, જ્યારે અન્ય ક્લિપમાં એક શખ્સ વિદ્યાર્થીઓ પર સાયકલ ફેંકતો જોવા મળે છે.
અન્ય કથિત વિડીયોમાં જોવા મળે છે કે એક ટોળું વિદ્યાર્થીઓને માર મારી રહ્યું છે, યુનિવર્સિટીના સુરક્ષા કર્મચારીઓએ તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ડાબેરી સંગઠનોનો આરોપ છે કે ABVPના કાર્યકરોએ તેમની પર હુમલો કર્યો હતો. ABVPના વિદ્યાર્થીઓએ લાકડીઓ અને સળિયા વડે હુમલો કર્યો હતો. ABVPએ પણ ડાબેરી વિદ્યાર્થીઓ પર મારપીટનો આરોપ લગાવ્યો છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે “અમને બંને પક્ષો તરફથી ફરિયાદો મળી છે. અમે ફરિયાદોની તપાસ કરી રહ્યા છીએ. પોલીસને ત્રણ ઘાયલ વિશે જાણવા મળ્યું છે.”
ગત 10 ફેબ્રુઆરીએ પણ, વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ યોજવા માટે બોલાવવામાં આવેલી બેઠક દરમિયાન, ABVP અને ડાબેરી જૂથો વચ્ચે મોડી રાત્રે અથડામણ થઈ હતી, જેમાં બંને પક્ષોએ દાવો કર્યો હતો કે તેમના કેટલાક સભ્યો ઘાયલ થયા છે.