‘મને yeah શબ્દથી એલર્જી છે’, CJI ચંદ્રચુડે વકીલને ઠપકો કેમ આપ્યો?
નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ (CJI DY Chandrachud) કોર્ટમાં શિસ્ત જળવાઈ રહે એ માટે કડક વલણ દાખવે છે. એવામાં આજે સોમવારે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે એક વકીલને તેમની ભાષા બદલ ઠપકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં દલીલો દરમિયાન વારંવાર ‘yeah’ શબ્દનો ઉપયોગ કરવા બદલ CJIએ વકીલને તાકીદ કરી હતી. કડક શબ્દોમાં ઠપકો આપતા, ન્યાયાધીશે વકીલને કહ્યું કે મને ‘ yeah ‘ શબ્દથી એલર્જી છે.
CJI ચંદ્રચુડે વકીલને એમ પણ કહ્યું હતું કે તેઓ કોફી શોપમાં નહીં પરંતુ કાયદાની અદાલતમાં છે. તેમણે કહ્યું કે વકીલે ‘ yeah ‘ને બદલે ‘yes’ કહેવું જોઈએ.
CJI ચંદ્રચુડે કહ્યું કે ” yeah yeah yeah ના બોલો, ‘YES’ બોલો આ કોફી શોપ નથી. આવું નહીં ચાલે, આ એક કોર્ટ છે. મને ‘yeah’ કહેતા લોકોથી થોડી એલર્જી છે.”
પૂર્વ મુખ્ય જસ્ટિસ રંજન ગોગોઈ દ્વારા અરજીને ખોટી રીતે બરતરફ કરવા સામે કોર્ટ સમક્ષ દલીલ કરી રહ્યા હતાં. તેમણે પૂર્વ જજ સામે તપાસની માંગ કરી હતી.
CJI ચંદ્રચુડે PIL અરજી સામે સવાલ પૂછ્યા. આના જવાબમાં અરજદારે કહ્યું: “yeah yeah yeah તત્કાલીન CJI રંજન ગોગોઈ. મને ક્યુરેટિવ ફાઇલ કરવાનું કહેવામાં આવ્યું હતું.”
તેમની ટિપ્પણીથી CJI ચંદ્રચુડને ગુસ્સો આવ્યો. તેમણે કહ્યું કે જસ્ટિસ ગોગોઈ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ હતા અને તેમની સામે આવી અરજી દાખલ કરી શકાય નહીં.
આ મહિનાની શરૂઆતમાં, CJI ચંદ્રચુડે કોલકાતાની RG કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં કથિત નિષ્ફળતા બદલ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન તરીકે મમતા બેનર્જીને હટાવવા માટે કોર્ટના નિર્દેશની માગણી કરવા બદલ વરિષ્ઠ વકીલને ઠપકો આપ્યો.