સંસદમાં ધક્કા મુક્કી દરમિયાન અમારી કોઈ ચૂક નહીં: CISF…

નવી દિલ્હી: સંસદ પરિસરમાં થયેલી ધક્કા મુક્કીનો મામલો ખૂબ જ ચગ્યો છે ત્યારે આ ઘટના પર સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ ફોર્સ (CISF) તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. ડીઆઈજી શ્રીકાંત કિશોરે દાવો કર્યો હતો કે સાંસદો વચ્ચેની ઘટના દરમિયાન તેમની તરફથી કોઈ ભૂલ થઈ નથી. 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ પર થયેલા હુમલા બાદ હથિયારો લઈ જવાની મંજૂરી નથી. ઉલ્લેખનીય છે કે CISF સંસદ સંકુલની સુરક્ષાની જવાબદારી સંભાળે છે.
આ પણ વાંચો : પૂજા ખેડકરની મુશ્કેલીઓ વધીઃ હાઇ કોર્ટેનો આગોતરા જામીન આપવાનો પણ ઇનકાર…
સંસદ પરિસરમાં થયેલી ધક્કા મુક્કીનો મામલો ખૂબ જ ચગ્યો છે અને ત્યારે આ મામલે CISFએ નિવેદન આપ્યું છે. સંસદની સુરક્ષા સંભાળી રહેલા CISFનું કહેવું છે કે 19 ડિસેમ્બરે સંસદના ગેટ પર વિપક્ષ અને પાર્ટીના સાંસદો વચ્ચે કથિત ઝપાઝપીના મામલામાં તેમની તરફથી કોઈ ચૂક નહોતી.
CISF નથી કરી રહી કોઈ તપાસ
સીઆઈએસએફના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) શ્રીકાંત કિશોરે જણાવ્યું હતું કે ઘટના દરમિયાન ફોર્સે યોગ્ય રીતે અને સ્થાપિત પ્રોટોકોલ મુજબ કામ કર્યું હતું. તેમણે કહ્યું, ઝપાઝપી સમયે CISF તરફથી કોઈ ચૂક થઈ ન હતી. તેમણે બ્રીફિંગ દરમિયાન મીડિયાને સ્પષ્ટપણે કહ્યું કે આ ઘટનાના સંબંધમાં CISF દ્વારા કોઈ તપાસ કરવામાં આવી રહી નથી અને ન તો ફોર્સને આવું કરવા માટે કહેવામાં આવ્યું છે.
સંસદ સભ્યોના આરોપો પર મૌન
જ્યારે તેમને સંસદના પ્રવેશ દ્વાર પર તૈનાત CISF અધિકારીઓ તેમને ઓળખતા ન હોવા અંગે કેટલાક સાંસદો દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે CISF સંસદની સુરક્ષા સંભાળી રહી છે તેને લગભગ છ મહિના થઈ ગયા છે. CISF પ્રત્યે દરેકનો પ્રતિસાદ સકારાત્મક રહ્યો છે. જ્યાં સુધી કોઈપણ સભ્યના આરોપોનો સંબંધ છે, CISF તેના પર મૌન રહેવાનું પસંદ કરશે.
આ પણ વાંચો : અમિત શાહ વિરુદ્ધ RLD પ્રવક્તાને ટીકા કરવાનું પડ્યું ભારે, પાર્ટીએ લીધો મોટો નિર્ણય
19મી ડિસેમ્બરે સંસદમાં શું થયું?
રાહુલ ગાંધી સહિત ઈન્ડિ ગઠબંધનના સાંસદોએ ગુરુવારે ડૉ. બાબાસાહેબ આંબેડકર અંગે સંસદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણી પર પ્રદર્શન કર્યું હતું. ઈન્ડિ ગઠબંધનના નેતાઓએ અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી. તે જ સમયે બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું હતું. તે દરમિયાન ભાજપના બે સાંસદો – પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતને માથામાં ઈજા થઈ હતી, જે બાદ ભાજપે રાહુલ ગાંધી પર સાંસદોને ધક્કો મારવાનો આરોપ લગાવ્યો હતો.