શું બિહારની ચૂંટણીથી NDAમાં ભંગાણના એંધાણ? ચિરાગ પાસવાને નીતિશ સરકાર પર સવાલ ઉઠાવ્યા!

પટણા: કેન્દ્રની ગઠબંધન સરકારમાં શું કોઈ નવાજુનીના એંધાણ છે? શું બિહારની ચુંટણી પહેલા એનડીએ ગઠબંધનમાં કોઈ સાથી પક્ષને મોહભંગ થઇ શકે છે? આ બધા પ્રશ્ન બિહારના રાજનેતાઓની ટીપ્પણી પરથી ઉઠી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાને ફરી એકવાર બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારના નેતૃત્વવાળી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. ચિરાગે શનિવારે ટ્વીટ કરીને બિહાર પોલીસની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા અને પૂછ્યું કે, “આખરે, કેટલા વધુ બિહારી હત્યાઓનો ભોગ બનશે?” ઉલ્લેખનીય છે કે બિહારમાં આગામી મહિનાઓમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા વિપક્ષ કાયદો અને વ્યવસ્થાને મુદ્દો બનાવી રહ્યો છે.
ચિરાગ પાસવાનની પોસ્ટ રાજકીય ચર્ચાનો વિષય
કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાનની સોશિયલ મીડિયા પોસ્ટ રાજકીય ચર્ચાનો વિષય બની છે. તેમાં તેમણે લખ્યું, “બિહારીઓ હવે કેટલી વધુ હત્યાઓની ભેટ ચડશે? સમજની બહાર છે કે બિહાર પોલીસની જવાબદારી શું છે? જો કે તેમની આ ટીપ્પણી માત્ર રાજકીય ચર્ચા નહી પણ સરકારની સામેના સવાલ પણ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બિહારમાં હત્યા સહિતની અન્ય ગુનાહિત ઘટનાઓ સતત બની રહી છે અને તેનાથી સામાન્ય નાગરિકોમાં દહેશ્ત ફેલાઈ છે.
તાજેતરમાં, પટનામાં જાણીતા વેપારી ગોપાલ ખેમકાને ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યા હતા. બે દિવસ પહેલા જ પટના જિલ્લામાં રેતીના વેપારી રમાકાંત યાદવની હત્યા કરવામાં આવી હતી. આ પછી શુક્રવારે રાત્રે રાજધાનીમાં તૃષ્ણા માર્ટના માલિક વિક્રમ ઝાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અન્ય જિલ્લાઓમાં પણ દરરોજ હત્યાકાંડ થઈ રહ્યા છે.
બિહારમાં હત્યાની ઘટનાઓને લઈને ગંભીર પ્રશ્ન
બિહારમાં બની રહેલી હત્યાની ઘટનાઓને લઈને ગંભીર પ્રશ્ન ઉભા થયા છે. જો કે આ પહેલીવાર નથી બન્યું કે જ્યારે ચીરાગ પાસવાને પોતાની જ સરકારના વહીવટીતંત્રને આડે હાથ લીધું હોય. અ પહેલા પણ મુજ્જફરપુરમાં એક દલિત બાળકી સાથે દુષ્કર્મ તેમજ પટણા PMCHમાં બેદરકારી બદલ તેના મોત મુદ્દે ચિરાગ પાસવાને નીતીશ સરકારને ઘેરી હતી. જો કે હવે એક તરફ બિહાર ચૂંટણીનો માહોલ છે ત્યારે બીજી તરફ એનડીએના જ સાથીની ટીપ્પણી રાજકારણમાં નવાજુનીના એંધાણ હોવાની ચર્ચા રાજકીય વર્તુળમાં થઇ રહી છે.