ચિરાગ પાસવાનના માથેથી ઘાત ટળી, હેલિકોપ્ટરનું વ્હીલ જમીનમાં ધસ્યું, પાયલોટની કુનેહથી થયો બચાવ

ઉજિયારપુર: લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના પ્રમુખ ચિરાગ પાસવાન બિહારના ઉજિયારપુરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં માંડ-માંડ બચી ગયા. ચિરાગ પાસવાનના હેલિકોપ્ટરનું પૈડું જમીનમાં ધસી ગયું હતું. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી, પરંતુ પાયલોટની કુનેહના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. હાલ ચિરાગ પાસવાન સંપુર્ણ સુરક્ષિત છે.

મળતી માહિતી મુજબ, લોક જનશક્તિ પાર્ટી (LJP) ના રાષ્ટ્રીય પ્રમુખ ચિરાગ પાસવાનને લઈ જતું હેલિકોપ્ટર બિહારના ઉજિયારપુર લોકસભા મતવિસ્તારના મોહદ્દી નગરમાં હેલિપેડ પાસે દુર્ઘટનાગ્રસ્ત થવાથી બચી ગયું હતું. તેઓ અહીં એક જનસભાને સંબોધવા પહોંચ્યા હતા.

હાલ આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી અને ચિરાગ પાસવાન અને તેમની ટીમ બંને સુરક્ષિત રીતે બચી ગયા છે. આ ઘટના હેલિકોપ્ટર મુસાફરી સાથે સંકળાયેલા જોખમોને દર્શાવે છે. ખાસ કરીને લેન્ડિંગ અને ટેકઓફ જેવી ગંભીર ક્ષણો દરમિયાન, તે અકસ્માત તરફ ઈશારો કરે છે. જોકે, હેલિપેડ પર પાયલોટ અને ગ્રાઉન્ડ ક્રૂની સમજદારીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.