નેશનલ

પોતાને મોદીના હનુમાન ગણાવનાર આ નેતા NDAમાં બળવો કરી શકે છે! તાજેતરમાં આપ્યું આવું નિવેદન

નવી દિલ્હી: લોક જનશક્તિ પાર્ટી રામ વિલાસ(LJP R)ના અધ્યક્ષ અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ પ્રધાન ચિરાગ પાસવાન (Chirag Paswan) છેલ્લા ઘણા સમયથી NDAમાં વિરોધના સુર છેડી રહ્યા છે. તાજેતરમાં, તેમણે લેટરલ એન્ટ્રી અને અનામતમાં ક્વોટાની અંદર ક્વોટા મુદ્દે એનડીએથી અલગ મત દર્શાવ્યો હતો. એવામાં પટનામાં પાર્ટીના એસસી-એસટી સેલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા, તેમણે કહ્યું, “હું ગમે તે ગઠબંધનમાં હોઉં, પછી ભલે હું કોઈપણ પ્રધાન પદ સંભાળું, જે દિવસે મને લાગશે કે બંધારણ અને અનામત સાથે છેડછાડ થઈ રહી છે. એજ દિવસે હું રાજીનામું આપી દઈશ, મારા પિતાએ એક મિનિટમાં જ પ્રધાનપદ પરથી રાજીનામું આપ્યું હતું.”

નોંધનીય છે કે ચિરાગ પાસવાન અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હનુમાન ગણાવતા હતાં. મોદી સરકાર 3.0ની રચના બાદથી જ ચિરાગ પાસવાનનું વલણ બદલાયેલું દેખાઈ રહ્યું છે. ચિરાગ અને તેની પાર્ટીએ પણ ઘણા મુદ્દે એનડીએથી અલગ મત મુક્યો છે. ચિરાગે હાલમાં જ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા, તેમને દૂરંદેશી નેતા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમની પાસે વિઝન છે.

ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ચિરાગે ક્વોટાની અંદર ક્વોટાને બાબતે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો હતો. હિન્દુસ્તાની આવામ મોરચાના સ્થાપક જીતન રામ માંઝી સહિત ઘણા NDAના નેતાઓ કોર્ટના નિર્ણયનું સમર્થન કરી રહ્યા હતા.

ક્વોટાની અંદર ક્વોટાના વિરોધમાં વિપક્ષે 21 ઓગસ્ટે ભારત બંધનું એલાન આપ્યું હતું. ચિરાગ પાસવાનની પાર્ટીએ પણ આ બંધને સમર્થન આપ્યું હતું. ચિરાગે કહ્યું હતું કે એસસી-એસટી આરક્ષણનો આધાર આર્થિક અસમાનતા નથી પરંતુ અસ્પૃશ્યતા જેવી દુષ્ટ પ્રથા છે.

યુપીએસસીએ કેન્દ્ર સરકારમાં સંયુક્ત સચિવ અને નિયામક સ્તરની 45 ખાલી જગ્યાઓ લેટરલ એન્ટ્રી દ્વારા ભરવા માટે જાહેરાત બહાર પાડી હતી. ચિરાગ પાસવાને ખુલ્લેઆમ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. બાદમાં સરકારે યુપીએસસીને પત્ર લખીને આ જાહેરાત રદ કરવાની વિનંતી કરી હતી.

ચિરાગ પાસવાને રાંચીમાં તેમની પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં જાતિવાર ગણતરીની માંગને સમર્થન આપતા કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે જાતિ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે. ઘણી વખત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જાતિને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવે છે. જે તે જ્ઞાતિની વસ્તી વિશે સરકાર પાસે માહિતી હોવી જોઈએ.

ચિરાગ પાસવાનની પાર્ટીએ વકફ બિલને બાબતે મુસ્લિમોના મનમાં દુવિધા હોવાની વાત કરી હતી.

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ચિરાગ પાસવાનને એનડીએમાં અણબનાવ છે. ચિરાગના તાજેતરના નિવેદનને એનડીએમાં તેમની નારાજગી સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. ચિરાગ પાસવાનની વ્યૂહરચના હવે બિહાર તેમજ અન્ય રાજ્યોમાં એલજેપીઆર ફેલાવવાની છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત