તાઈવાનમાં ચિન્ગ ટે પ્રમુખપદે ચૂંટાયા
તાઈપેઈ: તાઈવાનની ચૂંટણીમાં ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (ડીપીપી)ના ઉમેદવાર લાઈ ચિન્ગ ટે વિજયી નીવડ્યા હતા.
ચીન આ ટાપુની માલિકીનો દાવો કરી રહ્યું હોવાને કારણે ચીનની મુખ્ય જમીન અને તાઈવાન ટાપુ વચ્ચેના ૧૧૦ માઈલ પહોળા પાણીના પટ્ટાની સ્થિરતા અને શાંતિ દાવ પર લાગેલા છે. અગાઉ ચીનના જોખમને ધ્યાનમાં રાખીને તાઈવાનના મતદારોએ નવા પ્રમુખની પસંદગી માટે શનિવારે મતદાન કર્યું હતું.
આ ચૂંટણી આવતા ચાર વર્ષ દરમિયાન બંને દેશ વચ્ચેના સંબંધનો નવો માર્ગ નક્કી કરશે. ચીનના દરિયા કિનારાથી અંદાજે ૧૬૦ કિ.મી.ના અંતરે આવેલા આ ટાપુને ચીન પોતાની માલિકીનો ગણાવે છે અને જરૂર જણાશે તો બળજબરીપૂર્વક તેના પર કબજો જમાવી લેવાની ધમકી આપી રહ્યું હોવાને કારણે અહીંની શાંતિ અને સ્થિરતા સામે જોખમ તોળાઈ રહ્યું છે.
ચીન તરફથી જોખમ, નબળું અર્થતંત્ર અને મોંઘા ઘરો સહિતની બાબતો ચૂંટણીપ્રચારનો મુખ્ય મુદ્દો બન્યા હતા. ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (ડીપીપી)નું પ્રતિનિધિત્વ કરી રહેલા ઉપપ્રમુખ લાઈ ચિન્ગ ટે વિદાય લઈ રહેલા પ્રમુખ ત્સાઈ ઈન્ગ વૅનના ઉત્તરાધિકારી બનવાની ઈચ્છા રાખે છે. (એજન્સી)