ચીનની અવળચંડાઈ અરુણાચલના ખેલાડીઓનો પ્રવેશ રોક્યો
અનુરાગ ઠાકુરે જોરદાર વિરોધ નોંધાવીને બીજિંગનો પ્રવાસ રદ કર્યો
નવી દિલ્હી: ચીને ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા અરુણાચલ પ્રદેશના ત્રણ વુશુ (કુંગ ફુ જેવી રમત. ચીનની ભાષામાં વુ એટલે માર્શલ અને શુ એટલે આર્ટ્સ) રમતના ખેલાડીને એશિયન ગૅમ્સ જે શહેરમાં યોજાઇ રહી છે, ત્યાં પ્રવેશ અને એક્રેડિશન નહિ આપતા ભારતે તેની સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો અને દેશના સ્પોર્ટ્સ પ્રધાન અનુરાગ ઠાકુરે પોતાનો ચીનનો પ્રવાસ રદ કર્યો હતો.
ભારતના વિદેશ મંત્રાલય અને અરુણાચલ પ્રદેશ (પશ્ર્ચિમ)ના સાંસદ તેમ જ અર્થ સાયન્સ (પૃથ્વી વિજ્ઞાન) માટેના પ્રધાન કિરણ રિજિજુએ પણ ચીનના પગલાં સામે વાંધો ઉઠાવ્યો હતો અને બીજિંગ સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અવિભાજ્ય ભાગ હતો, છે અને રહેશે. અરુણાચલ પ્રદેશના ખેલાડીઓ ભારતનું જ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને તેઓની સાથે કોઇ પણ પ્રકારનો ભેદભાવ ચલાવી નહિ લેવાય.
એશિયન રમતોત્સવ ચીનના હાંગઝુ ખાતે યોજાઇ રહ્યો છે, ત્યાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરાયેલા વુશુ (રમત) માટેના અરુણાચલ પ્રદેશના ત્રણ ખેલાડી – નેયમેન વાંગસુ, ઓનિલુ તેગા અને મેપુંગ લામગુને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો. વુશુ રમત માટેની ભારતીય ટીમના અન્ય સાત ખેલાડી અને સ્ટાફ હોંગ કોંગથી ફ્લાઇટ પકડીને હાંગઝુ જવા રવાના થયા હતા.
ભારતના વિદેશ મંત્રાલયે પણ બીજિંગના સત્તાવાળાઓ સામે સંબંધિત બાબતમાં વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે ચીનનું આ પગલું એશિયન રમતોત્સવના નિયમથી વિરુદ્ધ છે. આયોજક દેશ કોઇ પણ ખેલાડીની સાથે ભેદભાવ કરી ન શકે અને તેઓને પ્રવેશ આપવાનો ઇનકાર કરી ન શકે.
અરુણાચલ પ્રદેશ (પશ્ર્ચિમ)ના સાંસદ તેમ જ અર્થ સાયન્સ (પૃથ્વી વિજ્ઞાન) માટેના પ્રધાન કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા અરુણાચલ પ્રદેશના ખેલાડીઓને વિઝા આપવાનો ઇનકાર કરવાનું ચીનનું પગલું વખોડવા લાયક છે
તેમણે સોશિયલ મીડિયા ‘એક્સ’ પર પૉસ્ટ કર્યું હતું કે અરુણાચલ પ્રદેશ વિવાદાસ્પદ વિસ્તાર નથી, પરંતુ ભારતનો અવિભાજ્ય ભાગ જ છે. ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટીએ ચીન સામે પગલાં લેવા જોઇએ.
એશિયન ગૅમ્સ ઑર્ગેનાઇઝીંગ કમિટીએ અરુણાચલ પ્રદેશના આ ત્રણે વુશુ ખેલાડીને મંજૂરી આપી હોવા છતાં ચીનમાં પ્રવેશ માટેના વિઝા સમાન એક્રેડિશન કાર્ડને તેઓ ડાઉનલોડ કરી નહોતા શક્યા.
કુંગ ફુ જેવી વુશુ રમત માર્શલ આર્ટ્સ છે અને તેની શરૂઆત ચીનમાં થઇ હોવાનું કહેવાય છે.
ચીન ઘણાં સમયથી ભારતના અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરી રહ્યું છે અને ત્યાંની સરહદે લશ્કરી તેમ જ બીજી પ્રવૃત્તિ વધારી છે. કેન્દ્ર સરકારમાંના નેતાઓ અરુણાચલ પ્રદેશ જાય, તો પણ તેનો ચીન દ્વારા વિરોધ કરાય છે. ભારતે સુરક્ષા માટે સરહદે સૈનિકોની ઝડપી અવરજવર થઇ શકે તે માટે નવા રસ્તા, હૅલિપેડ અને વિમાનમથક બાંધવા જેવા વિવિધ પગલાં લીધાં છે. (એજન્સી)