ચીનનો ન્યુમોનિયા વાઇરસ ૧૦ દેશમાં ફેલાયો
બીજિંગ: ચીનનો એચનાઇનએનટુ વાઇરસ કોવિડ-૧૯ની જેમ સમગ્ર વિશ્ર્વમાં તબાહી મચાવવાના મૂડમાં છે. ચીનમાં દરરોજ ન્યુમોનિયાના ૭ હજાર કેસ આવી રહ્યા છે. ચીનમાં ફેલાઈ રહેલ ન્યુમોનિયાનું સંકટ અન્ય દેશોમાં પણ ફેલાઈ ગયું છે. ચીન સિવાય અન્ય ૧૦ દેશોમાં પણ ન્યુમોનિયાના કેસ નોંધાયા છે.
ચીન, અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, વિયેતનામ, સિંગાપોર, દક્ષિણ કોરિયા, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ, ડેનમાર્ક અને નેધરલેન્ડમાં પણ ચીનની રહસ્યમય બીમારીના કેસ નોંધાઈ રહ્યા છે. સ્વીડનમાં એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં માયકોપ્લાઝમા ન્યુમોનિયાના ૧૪૫ કેસ નોંધાયા છે. જ્યારે સ્વિટ્ઝર્લેન્ડમાંથી ૧૩૨ અને સિંગાપોરમાંથી
૧૭૨ કેસ નોંધાયા છે. અમેરિકામાં પણ ન્યુમોનિયાના ૧૪૫ દર્દીઓ નોંધાયા છે. આ સિવાય ડેનમાર્કમાં ૫૪૧ દર્દીઓ આવ્યા છે. ફ્રેંચ રેડિયો સ્ટેશનથી મળેલી માહિતી અનુસાર, ન્યુમોનિયાના કેસમાં ૩૬ ટકા દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યા છે. નેધરલેન્ડમાં છેલ્લા એક સપ્તાહમાં ૧૦૦,૦૦૦ બાળકોમાંથી ૮૦ બાળકો ન્યુમોનિયાનો શિકાર બની રહ્યા છે.
ચીનમાં રહસ્યમય બીમારી પર લેડી હાર્ડિંજ મેડિકલ કોલેજના ડાયરેક્ટર ડો. સુભાષ ગિરીએ કહ્યું કે ચીનમાં એચનાઇન એનટુના ઘણા કેસ સામે આવી રહ્યા છે. આ એક વાયરલ ઇન્ફેક્શન છે, જેના કારણે જે બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેમને ન્યુમોનિયા થવાનું જોખમ રહેલું છે. હેલ્થ કમિશનર ડ્યુએન સ્ટેન્સબરી અને ઓહિયો હેલ્થ રિવરસાઇડના જણાવ્યા અનુસાર ચીનમાં બાળકોમાં ન્યુમોનિયાના કેસ ઝડપથી વધી રહ્યા છે.
લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજના ડાયરેક્ટર ડો.સુભાષ ગિરીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં બદલાતી ઋતુઓ અને શિયાળાની શરૂઆત દરમિયાન વાયરલ ઇન્ફેક્શન નિયમિતપણે થાય છે. મેં અત્યાર સુધી ભારતમાં એચનાઇનએનટુના કોઈ અહેવાલો વાંચ્યા નથી, પરંતુ સાવચેત રહેવું મહત્ત્વપૂર્ણ છે. આ સિવાય ભારત સહિત પાંચથી વધુ દેશો એલર્ટ મોડ પર છે અને આ દેશોમાં ન્યુમોનિયા સામે લડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.