ભારત સાથે સરહદ વિવાદ ઉકેલવા ચીન તૈયાર, જાણો ચીનના વિદેશ મંત્રીએ શું કહ્યું

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પૂર્વી લદ્દાખમાં લાંબા સમય સુધી ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે સરહદી વિસ્તારોમાં જમીનની સ્થિતિને લગતા મુદ્દાઓને યોગ્ય રીતે હેન્ડલ કરવા માટે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે હાથ મિલાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ડોભાલને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ભારત-ચીન સરહદ પ્રશ્ન માટે વિશેષ પ્રતિનિધિ તરીકેની પુનઃનિયુક્તિ પરના અભિનંદન સંદેશમાં, વાંગે જણાવ્યું હતું કે ચીન અને ભારત એક એવો સંબંધ ધરાવે છે જે દ્વિપક્ષીય સરહદોથી આગળ વધે છે અને વૈશ્વિક મહત્વ ધરાવે છે.
વાંગ યી અને એસ જયશંકરે કઝાખસ્તાનમાં મુલાકાત કરી હતી. વાંગે કહ્યું હતું કે તે બંને દેશો વચ્ચે થયેલા મહત્વના કરારોને લાગુ કરવા અને સરહદી વિસ્તારોમાં જમીન સંબંધિત મુદ્દાઓને યોગ્ય રીતે હેન્ડલ કરવા માટે ડોભાલ સાથે હાથ મિલાવવા તૈયાર છે, જેથી સરહદી વિસ્તારોમાં શાંતિ અને સૌહાર્દ જાળવી શકાય. વાંગ યી તાજેતરમાં કઝાકિસ્તાનના અસ્તાનામાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં વિદેશ પ્રધાન એસ જયશંકરને મળ્યા હતા, ત્યારબાદ તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ચીન અને ભારતના ટોચના નેતાઓ કઝાકિસ્તાનમાં મળ્યા હતા.
ભારત અને ચીન વચ્ચે 3,488 કિલોમીટર લાંબી સરહદ છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી સરહદી વિવાદ ચાલી રહ્યો છે. 2020 માં, પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. સરહદ પર બંને તરફથી સૈનિકોની ભારે તૈનાતી કરવામાં આવી છે.
ચીન અને ભારતે સરહદ વિવાદના ઉકેલ માટે વિશેષ મિકેનિઝમની રચના કરી છે. તેનું નેતૃત્વ ભારત તરફથી અજીત ડોભાલ અને ચીન તરફથી તેમના વિદેશ મંત્રી કરી રહ્યા છે. તેની 19 વખત બેઠકો થઈ છે, પરંતુ સરહદ વિવાદ ઉકેલવામાં હજી સુધી કોઈ સફળતા મળી નથી.
Also Read –