ચીન પર અરુણાચલની ભારતીય મહિલાને ટોર્ચર કરવાનો આરોપ, ભારતીય પાસપોર્ટ માન્ય રાખવાનો ઇનકાર…

શાંઘાઈ : ચીન દ્વારા ભારતીય મહિલાને પરેશાન કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ અરુણાચલ પ્રદેશની એક મહિલાને ચીની અધિકારીઓ દ્વારા શાંઘાઈ એરપોર્ટ પર અટકાયત કરીને હેરાન કરવામાં આવી હતી. જેમાં ભારતીય પાસપોર્ટને માન્ય માનવાનો પણ ઇનકાર કર્યો હતો.
આ ઘટના અંગે માહિતી આપતા ભારતીય મહિલા પેમા વાંગ થોંગડોકે જણાવ્યું હતું કે 21 નવેમ્બરના રોજ શાંઘાઈ પુડોંગ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ તેને 18 કલાક માટે અટકાયતમાં રાખી હતી અને કહ્યું હતું કે પાસપોર્ટ “અમાન્ય” છે કારણ કે તેનું જન્મસ્થળ અરુણાચલ પ્રદેશ છે જે ચીનનો હિસ્સો છે.

ભારતીય નાગરિકતાને માન્યતા આપવાનો ઇનકાર
તેમજ થોંગડોકના નિવેદન મુજબ, અરુણાચલ પ્રદેશને તેમના જન્મસ્થળ તરીકે જોયા બાદ ચીની ઇમિગ્રેશન અધિકારીઓએ તેમના ભારતીય પાસપોર્ટને કથિત રીતે અમાન્ય જાહેર કર્યો હતો. અધિકારીઓએ તેમની ભારતીય નાગરિકતાને માન્યતા આપવાનો ઇનકાર કર્યો, તેમને કહ્યું, અરુણાચલ પ્રદેશ ચીનનો ભાગ છે. તેમનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હતો અને માન્ય જાપાની વિઝા હોવા છતાં તેમને આગળની ફ્લાઇટમાં જતા અટકાવવામાં આવ્યા હતા.
નવી ટિકિટ ખરીદયા બાદ પાસપોર્ટ પાછો આપ્યો
થોંગડોકે વધુમાં જણાવ્યું કે ઇમિગ્રેશન અધિકારીઓ અને ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સના કર્મચારીઓએ તેમનું અપમાન કર્યું અને મજાક ઉડાવી, અને કહ્યું કે ચાઇનીઝ પાસપોર્ટ માટે અરજી કરો. તેમને ભોજન અને અન્ય એરપોર્ટ સુવિધાઓ અંગે કોઈપણ સત્તાવાર માહિતી આપી ન હતી. તેમજ ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સ સાથે નવી ટિકિટ ખરીદવા માટે સંમત થયા પછી જ તેમને તેમનો પાસપોર્ટ પાછો આપવામાં આવ્યો હતો. જેના પરિણામે ચૂકી ગયેલી ફ્લાઇટ્સ અને હોટેલ બુકિંગથી નાણાકીય નુકસાન થયું હતું.
શાંઘાઈમાં ભારતીય કોન્સ્યુલેટનો સંપર્ક કરવાની ફરજ પડી
આ મહિલાને યુકેમાં એક મિત્રની મદદથી શાંઘાઈમાં ભારતીય કોન્સ્યુલેટનો સંપર્ક કરવાની ફરજ પડી હતી. કોન્સ્યુલેટના હસ્તક્ષેપથી તે આખરે મોડી રાત્રે એરપોર્ટ છોડી શકી અને પોતાની મુસાફરી ફરી શરૂ કરી શકી.



