‘ચિલ્લે કલાં’: કાશ્મીરમાં પ્રચંડ ઠંડીનો ૪૦ દિવસનો સમય શરૂ

કાશ્મીરમાં ગુરુવારથી ‘ચિલ્લે કલાં’નો ૪૦ દિવસ પ્રચંડ ઠંડીના સમયગાળાનો આરંભ થઈ ગયો હોવા વચ્ચે દલ લૅક આંશિક રીતે થીજી ગયું હતું. (એજન્સી)
સુરેશ એસ. ડુગ્ગર
જમ્મુ: કાશ્મીરમાં પ્રચંડ ઠંડીના સમયગાળામાંથી એક ૪૦ દિવસનો ‘ચિલ્લે કલાં’નો સમય ગુરુવારથી શરૂ થઈ ગયો હતો. બુધવારે કાશ્મીરમાં ઠંડીનું ભારે મોજું ફરી વળ્યું હોવા વચ્ચે ગુરુવારથી ‘ચિલ્લે કલાં’નો સમયગાળો શરૂ થઈ ગયો હતો.
‘ચિલ્લે કલાં’ ફારસી શબ્દ છે અને તેનો અર્થ પ્રચંડ ઠંડી એવો થાય છે.
આ સમયગાળા દરમિયાન કાશ્મીરમાં ઠંડીની પ્રચંડ શીત લહેર તેની ચરમસીમા પર પહોંચી જશે અને કાશ્મીરના પહાડો અઠવાડિયાઓ સુધી બરફ નીચે ઢંકાયેલા રહેશે અને નદી તેમ જ તળાવો પણ ઠાર બિંદુ સુધી પહોંચી જશે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન આકાશમાં વાદળો છવાયેલાં રહે છે. ૨૬ ડિસેમ્બરથી હિમવર્ષા શરૂ થવાની પણ શક્યતા હોવાનું તેમણે કહ્યું હતું.
શ્રીનગરમાં તાપમાન માઈનસ ૫.૪ ડિગ્રી થઈ જતાં રાત્રિના સમયે દલ લૅક પર બરફની પરત જામવા માંડી હતી.
સ્થાનિક રહેવાસીઓનાં જણાવ્યા અનુસાર આવનારાં દિવસોમાં દલ લેક પર સંપૂર્ણપણે બરફ છવાઈ જશે.
કાશ્મીરમાં ઠંડીની મોસમ ત્રણ તબક્કામાં પૂરી થઈ જાય છે. પ્રચંડ ઠંડી ‘ચિલ્લે કલાં’ (૪૦ દિવસ), ત્યાર બાદ થોડી ઓછી ઠંડી ‘ચિલ્લે કુર્દ’ (૨૦ દિવસ) અને અંતમાં હળવી ઠંડી ‘ચિલ્લે બચ્ચા’ (૧૦ દિવસ) હોય છે.