નેશનલ

ટ્રક સાથે ધડાકાભેર અથડાતા જ રિક્ષામાંથી ફેંકાયા બાળકો, વીડિયો વાઈરલ

વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ(વાઇઝેગ)માં એક ભીષણ અકસ્માતની ઘટના બની છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાઇરલ થઇ રહ્યો છે. રસ્તા પર પસાર થઇ રહેલી ટ્રક સાથે એક સ્કૂલરિક્ષા ધડાકાભેર અથડાઇ હતી જેને કારણે રિક્ષામાં સવાર બાળકો હવામાં ઉછળી રસ્તા પર પટકાયા હતા. જાણે બારીમાંથી કોઇ વસ્તુ ફેંકાઇ હોય તેમ બાળકો રિક્ષામાંથી બહાર ફેંકાયા હતા. આ દ્રશ્યો રસ્તા પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા.

દુર્ઘટના બાદ તરત જ લોકો રિક્ષા પાસે દોડી આવ્યા હતા અને રિક્ષાચાલક તથા ઇજાગ્રસ્ત બાળકોને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી. અકસ્માત બાદ તરત રિક્ષા પલટી ખાઇ જતા કેટલાક બાળકો રિક્ષાની અંદર પણ ફસાયા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી કામગીરી શરૂ કરી દીધી હતી.

વહેલી સવારની આ ઘટનાના 35 સેકન્ડના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે કે ફ્લાયઓવર પાસેના રસ્તા પર એક રિક્ષાચાલક સામે પસાર થઇ રહેલા ટ્રકની પરવા કર્યા વગર પોતાની જ ધૂનમાં પૂરપાટ ઝડપે રિક્ષા ચલાવી રહ્યો છે અને રિક્ષા ટ્રક સાથે અથડાઇ જાય છે. આ ટક્કર એટલી ઝડપી રીતે થઇ કે રિક્ષામાં બેસેલા બાળકો કોઇ વસ્તુની જેમ બહાર હવામાં ફંગોળાઇને રસ્તા પર પટકાયા હતા.

આ ઘટનામાં કુલ આઠ બાળકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી અમુક બાળકોને હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ રજા આપી દેવાઇ છે, જ્યારે એક બાળકની હાલત હજુ ગંભીર છે. પોલીસ સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદન નોંધી આ મામલે આગળ કાર્યવાહી કરી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button