નાના બાળકોમાં કેન્સરનો વધતો ગ્રાફ ચિંતાનો વિષય, પણ…
![Illustration showing rising childhood cancer statistics with medical icons and concerned parents.](/wp-content/uploads/2025/02/childhood-cancer-trends-illustration.webp)
કેન્સર એ એક એવો જીવલેણ રોગ છે જે હવે બાળકોમાં પણ ઝડપથી ફેલાઇ રહ્યો છે અને હવે ભારે ચિંતાનો વિષય બની રહ્યો છે. વિશ્વભરમાં બાળકોમાં કેન્સરના જેટલા કેસ નોંધાય છે તેમાં લગભગ 25 ટકા કેસો તો ભારતમાં જ નોંધાય છે. બાળકોને કેન્સરથી બચાવવા માટે અને તેમનામાં કેન્સરના લક્ષણો શોધી કાઢવા માટે દર વર્ષે 15 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિન ઉજવવામાં આવે છે.
વિશ્વમાં દર વર્ષે આશરે ત્રણ લાખ બાળકો વિવિધ કેન્સરનો ભોગ બને છે અને આમાંના 25 ટકા એટલે કે લગભગ 78 હજાર તો બાળકો તો ભારતમાં જ છે. અન્ એક અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે વિશ્વભરમાં દર વર્ષે લગભગ 1.75 લાખ બાળકો કેન્સરને કારણે મૃત્યુ પામે છે અને કેન્સર અંગે અનેક શોધ સંશોધનો છતાં દર વર્ષે આ આંકડો સતત વધતો જ જઇ રહ્યો છે. આપણે મુંબઇની જ વાત કરીએ તો અહીંની ટાટા મેમોરિયલ અને અન્ય કેન્સર ઇન્સ્ટિટ્યૂટોમાં છેલ્લા પાંચ વર્ષમાં બાળ કેન્સરના કેસમાં બે ટકાનો વધારો નોંધાયો છે. 2019માં 2981 બાળકોની સારવાર કરવામાં આવી હતી. 2024માં બાલ કેન્સરના રોગીઓની સંખ્યા વધીને 3874 થઇ ગઇ છે.
Also read: કેન્સરને નાબૂદ કરવા ક્વાડ કેન્સર મૂનશોટ નવી પહેલ : જો બાઈડન
ઇન્ડિયન કેન્સર સોસાયટીએ જણાવ્યું હતું કે દર વર્ષે લગભગ 50 હજાર બાળકોને કેન્સર હોવાનું નિદાન થાય છે. જોકે, તેણે એમ પણ જણાવ્યું હતું કે જો વેળાસર નિદાન થઇ જાય અને તેને સારવાર આપવામાં આવે તો બાળકોમાં કેન્સરની સારવાર ઉત્તમ પરિણામ આપે છે. મુંબઇમાં આવેલી ટાટા મેમોરિયલ હૉસ્પિટલ કેન્સર માટેની ખાસ હૉસ્પિટલ છે. અહીં દરેક પ્રકારના કેન્સરની સારવાર થાય છે. ટાટા મેમોરિયલ હૉસ્પિટલે હવે અનેક રાજ્યમાં તેના સેન્ટર ખોલ્યા છે., તેથી લોકોએ કેન્સરની સારવાર માટે દૂર દૂરના પ્રદેશોમાંથી હવે છેક મુંબઇ સુધી લાંબા નથી થવું પડતું,. ટાટા મેમોરિયલ હૉસ્પિટલના એક ડૉક્ટરે જણાવ્યું હતું કે જે બાળકોને બ્લડ કેન્સર હોય છે, તેમને સારવારમાં ઉત્તમ પરિણામ જોવા મળે છે. લગભગ 80 ટકા બાળકો સારા થાય છે, જ્યારે કેન્સરની ગાંઠના કિસ્સામાં 70 ટકા બાળક સાજા થાય છે.