શાળા પાસે આવેલી દારૂની દુકાન હટાવવા 5 વર્ષનો વિદ્યાર્થીએ અલ્હાબાદ હાઈકોર્ટ PIL દાખલ કરી, જાણો શું છે મામલો

કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરની એક શાળામાં એલ કેજીમાં ભણતો 5 વર્ષનો વિધાર્થી જાગૃત નગરિક તરીકે ભૂમિકા નિભાવી રહ્યો છે. એક શાળા નજીક આવેલી દારૂની દુકાન હટાવવા માટે પાંચ વર્ષીય વિદ્યાર્થીએ અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. દારૂની દુકાન હટાવવા માટે વિદ્યાર્થીએ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી છે. વિદ્યાર્થીએ કહ્યું છે કે દારૂની દુકાન તેના સાથી વિદ્યાર્થીઓ અને નજીકમાં રહેતા રહેવાસીઓના રોજિંદા જીવનને અસર કરી રહી છે. અલ્હાબાદ હાઈકોર્ટે આ અંગે એક્સાઈઝ વિભાગ પાસેથી જવાબ માંગ્યો છે.
વિદ્યાર્થી વતી હાજર રહેલા વકીલે દલીલ કરી હતી કે, શાળા ખુલ્યા બાદ દારૂની દુકાનનું લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યું હતું, જે ગેરકાયદેસર છે. તેના પર હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે શાળા ક્યારે ખોલવામાં આવી, વિભાગે લાયસન્સ રિન્યુ કેવી રીતે કર્યું. શાળામાં અંદાજે 475 વિદ્યાર્થીઓ બહને છે અને શાળામાં કિન્ડરગાર્ટન થી 9માં ધોરણ સુધીના વર્ગો ચાલે છે.
23 ફેબ્રુઆરીના રોજ હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી કરવામાં આવી હતી, આગામી સુનાવણી માટે 13 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે. સમગ્ર શહેરમાં આ બાબતની જોરશોરથી ચર્ચા થઈ રહી છે.
અહેવાલો મુજબ PIL દાખલ કરનાર વિદ્યાર્થીનું નામ અથર્વ છે. અથર્વ સેઠ એમઆર જયપુરિયા સ્કૂલનો એલકેજી વિદ્યાર્થી છે. પાંચ વર્ષના અથર્વ દીક્ષિતે તેના વકીલ પિતા પ્રસુન દીક્ષિત દ્વારા આબકારી વિભાગના મુખ્ય સચિવ, આબકારી કમિશનર લખનઉ, ડીએમ (લાઈસન્સિંગ ઓથોરિટી), આબકારી અધિકારી કાનપુર અને લિકર વેન્ડ ઓપરેટર જ્ઞાનેન્દ્ર કુમારને પક્ષકાર બનાવ્યા છે.
અરજીમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે દુકાન અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દરરોજ દારૂડિયાઓ શાળાની આસપાસ ફરતા અને અભદ્ર ભાષામાં વાત કરતા જોવા મળે છે. હવે આ વિદ્યાર્થીઓ માટે અસહ્ય બની ગયું છે.
વિદ્યાર્થી અથર્વના પિતા એડવોકેટ પ્રસુન દીક્ષિતે પણ IGRS પોર્ટલ પર શાળાની બાજુમાં આવેલી દારૂની વાડી અંગે ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ કેસમાં એક્સાઇઝ વિભાગના અધિકારીઓએ જવાબ આપ્યો હતો કે દુકાન શાળાથી 20-30 મીટરના અંતરે છે. એ પણ જણાવ્યું કે આ કોન્ટ્રાક્ટ 30 વર્ષ પહેલાનો છે, જ્યારે શાળાની સ્થાપના વર્ષ 2019માં થઈ હતી.