‘મુખ્ય પ્રધાન હેમંતને પદ પર ચાલુ રહેવાનો કોઈ અધિકાર નથી’, ભાજપે સોરેન પાસેથી રાજીનામું માંગ્યું
રાંચી: ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે કહ્યું હતું કે વિપક્ષી ગઠબંધન ભ્રષ્ટાચારની ગેરંટી છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી તેને જડમૂળથી ઉખાડીને દોષીઓ સામે કાર્યવાહી કરવાની છે.
ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ ઝારખંડના કોંગ્રેસી સાંસદ ધીરજ સાથે જોડાયેલા એક બિઝનેસ ગ્રુપની જગ્યા પર કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા દરોડા દરમિયાન મોટી રકમની રોકડ જપ્ત કર્યા બાદ ઇન્ડિયા ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. તેમણે માંગ કરી હતી કે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનને પદ પર ચાલુ રહેવાનો કોઈ અધિકાર નથી અને તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. બીજેપી હેડક્વાર્ટર ખાતે પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ‘નવ કબાટોમાંથી રૂ. 300 કરોડની રકમ મળી આવી છે. કોંગ્રેસના નેતાઓ ભ્રષ્ટાચાર દ્વારા કમાયેલા પૈસાથી તેમના ખિસ્સા ભરે છે અને આ પૈસા ગાંધી પરિવારને જાય છે.’ તાજેતરની વિધાનસભા ચૂંટણીના પરિણામોને ટાંકીને ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે લોકોએ ભ્રષ્ટાચાર સામેની મોદીની લડાઈને સમર્થન આપ્યું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિપક્ષી પાર્ટીઓ દેશ અને જનતાનો અધિકાર ઉધરસની જેમ ખાઈ રહી છે.
ભાટિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના ઘણા નેતાઓની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી મોટી રકમ જપ્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી મૌન જાળવી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે તેમની સંમતિ વિના આટલા મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ શક્યો ન હોત. તેમણે કહ્યું કે જ્યારે તપાસ એજન્સીઓ દરોડા પાડે છે, ત્યારે વિપક્ષી નેતાઓ દાવો કરે છે કે કેન્દ્ર સરકાર બદલાથી પ્રેરિત રાજકારણ કરે છે, પરંતુ હકીકત એ છે કે કાયદો પોતાનો માર્ગ અપનાવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પણ તેમની અરજી ફગાવી દીધી છે અને લોકોએ પણ તેમને પાઠ ભણાવ્યો છે.