Chief Election Commissioner Rajiv Kumarએ એવું તે શું કહ્યું કે લોકોએ તાળીઓ પાડી, હસી પડ્યા?

નવી દિલ્હીઃ ખૂબ જ આતુરતાપૂર્વક જેની રાહ જોવાઈ રહી હતી એવી લોકસભાની ચૂંટણીની તારીખો આખરે આજે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે. ચીફ ઈલેક્શન કમિશનર ઓફ ઈન્ડિયા રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીની તારીખો જાહેર કરવાની સાથે સાથે જ અન્ય મહત્ત્વની માહિતીઓ અને આંકડા પણ જાહેર કર્યા હતા. પરંતુ આ બધા વચ્ચે તેમણે કંઈક એવી વાત પણ કહી હતી કે જે સાંભળીને ઉપસ્થિત તમામ લોકો હસી પડ્યા હતા અને તાળીઓ પાડીને તેમની વાતને વધાવી હતી. આવો જોઈએ એવું તે શું કર્યું ઈલેક્શન કમિશનરે…
વાત જાણે એમ છે કે રાજીવ કુમારે પોતાના ભાષમાં આવશ્યક ઘોષણાઓ કરવાની સાથે સાથે જ તેમણે ફેમસ શાયર બશીર બદ્રનો એક શેર સંભળાવ્યો હતો. આ શેર સાંભળીને ઉપસ્થિત તમામ લોકો ખુશ થઈ ગયા હતા અને તેમણે તાળીથી આ શેરને વધાવી લીધો હતો. રાજીવ કુમારે કહ્યું હતું કે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને એની સાથે જ હવે રાજકીય પક્ષોમાં ખૂબ જ ચડસાચડસી અને હૂંસાતૂંસી જોવા મળશે. આ બધા વચ્ચે આપણે માનવતાને ના ભૂલવી જોઈએ.
રાજીવ કુમારે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે અમારી ટીમ પણ તૈયાર છે અને અમને સંપૂર્ણ આશા છે કે આ ચૂંટણીઓ સંપૂર્ણ નિષ્પક્ષતા સાથે યોજાશે. આ દરમિયાન રાજીવ કુમારે કહ્યું કે અફવા ફેલાવનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ફેક ન્યૂઝમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર દરમિયાન હેટ સ્પીચ આપવાનું ટાળવું જોઈએ અને આ સિવાય રાજકીય પક્ષોએ ધાર્મિક ટિપ્પણી કરવાનું ટાળવું જોઈએ.
રાજીવ કુમારે બશીર બદ્રનો શેર વાંચતા જણાવ્યું હતું કે,
दुश्मनी जम कर करो लेकिन ये गुंजाइश रहे,
जब कभी हम दोस्त हो जाएं तो शर्मिंदा न हों
રાજીવ કુમારે જેવા આ શેર વાંચ્યો કે ઉપસ્થિત લોકોએ તાળીઓ પાડવા લાગ્યા હતા. જોકે, આ સિવાય પણ ચૂંટણીના સમયમાં સોશિયલ મીડિયા પર જોવા મળતા રિપોર્ટ્સ અને અને ઈવીએમ પર તંજ કસતા તેમણે શેર રજૂ કર્યા હતા. ટૂંકમાં આજે પ્રેસ કોન્ફરન્સમાં લોકોને રાજીવ કુમારનો શાયરાના અંદાજ જોવા મળ્યો હતો… તમે પણ ના જોયો હોય તો જોઈ લો…
આ સિવાય તેમણે બીજી મહત્ત્વની માહિતી આપતા રાજીવ કુમારે જણાવ્યું હતું કે આ વખતે ચૂંટણી દરમિયાન સિનીયર સિટીઝનને વોટ આપવા માટે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપવામાં આવી છે. સમગ્ર દેશમાં 85 વર્ષથી વધુ ઉંમરના તમામ મતદારોના ઘરે મતદાન કરવામાં આવશે. આંકડાઓની વાત કરીએ તો દેશમાં અત્યારે કુલ 96.8 કરોડ મતદારો છે. તેમાંથી 49.7 કરોડ પુરુષો અને 47 કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે. એમાંથી 1.82 કરોડ મતદારો આ લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.