
બીજાપુર : છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ અથડામણમાં છ નક્સલીઓને ઠાર માર્યા છે. આ અંગે મળેલી માહિતીના આધારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. નક્સલીઓને ઠાર માર્યા બાદ તેમની પાસેથી હથિયારો, વિસ્ફોટકો અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. આ સર્ચ ઓપરેશનમાં જિલ્લા રિઝર્વ ગાર્ડ, બીજાપુર, ડીઆરજી દાંતેવાડા અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમ સંયુક્ત રીતે જોડાઈ હતી.
છ માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા
આ ઘટના અંગે બીજાપુર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. જિતેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે સવારથી સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે સામસામી અથડામણ થઈ હતી. જેમાં છ માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. તેમની પાસેથી INSAS રાઇફલ, એક સ્ટેનગન, એક .303 રાઇફલ, વિસ્ફોટકો અને અન્ય માઓવાદી સામગ્રી સહિતના હથિયારો મળી આવ્યા છે.
ઓપરેશન સુરક્ષા દળો માટે નિર્ણાયક અને નોંધપાત્ર
જયારે બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પી. એ જણાવ્યું હતું કે આજના ઓપરેશન સુરક્ષા દળો માટે નિર્ણાયક અને નોંધપાત્ર રહ્યું છે. તેમણે કહ્યું કે આ સફળતા એવા સમયે મળી છે જ્યારે માઓવાદી સંગઠન નેતૃત્વહીન, દિશાહીન અને નિરાશ છે. અધિકારીએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને રાજ્ય પોલીસના વધારાના દળોને અન્ય ફરાર માઓવાદીઓને શોધવામાં મદદ કરવા માટે આસપાસના વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે.



