છત્તીસગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય; કોંગ્રેસના સુપડા સાફ

રાયપુર: છત્તીસગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે પોતાનો ઝંડો લહેરાવ્યો છે. રાજ્યના તમામ 10 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મેયરની ચૂંટણીમાં ભાજપે જીત હાંસિલ કરી છે. જો કે તેમાં રાયપુરથી મીનલ ચૌબેએ સૌથી મોટી જીત મેળવી છે. મીનલ ચૌબેએ 1 લાખ 53 હજારથી વધુ મતોથી દીપ્તિ દુબેને હરાવ્યા છે.
કોંગ્રેસના સુપડા સાફ
આ ચૂંટણીમાં ભાજપને સૌથી મોટી જીત રાયપુરમાં મળી છે કારણે કે રાયપુરમાં 15 વર્ષ સુધી મેયર પદ પર કોંગ્રેસનો દબદબો હતો. આ ઉપરાંત, દુર્ગ, રાજનંદગાંવ, બિલાસપુર, જગદલપુર, અંબિકાપુર, રાયગઢ અને ચિરમીરીની મ્યુનિસિપલ ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે.
કોંગ્રેસને ફટકો, AAPનું ખાતું ખૂલ્યું
છત્તીસગઢમાં 10 નગર નિગમ, 49 નગર પાલિકા અને 114 નગર પંચાયત માટે 11 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. ભારતીય જનતા પાર્ટીએ તમામ 10 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં કેસરીયો લહેરાયો છે, જ્યારે કોંગ્રેસનું ખાતું પણ નથી ખૂલ્યું. જ્યારે 49 નગર પાલિકાઓમાં ભાજપે 35 બેઠકો જીતી છે અને કોંગ્રેસે 8 બેઠકો જીતી છે. તે ઉપરાંત આમ આદમી પાર્ટીએ નગરપાલિકામાં પોતાનું ખાતું ખોલી દીધું છે. બોદરીમાં AAP એ એક બેઠક જીતી છે. જ્યારે 5 બેઠકો અપક્ષોના ખાતામાં ગઈ છે.
Also read: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ગુજરાત ભાજપમાં ઉકળતો ચરૂ
મુખ્ય પ્રધાને વ્યક્ત કર્યો આભાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ છત્તીસગઢના મુખ્ય પ્રધાન વિષ્ણુદેવ સાયએ કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખૂબ સારા પરિણામો આવ્યા છે. હું ફરી એકવાર છત્તીસગઢના તમામ મતદારોનો ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકવા બદલ આભાર માનું છું. હું રાજ્યના લોકોને ખાતરી આપવા માંગુ છું કે અમે અટલ વિશ્વાસ પત્રમાં આપેલા 100% વચનો ચોક્કસપણે પૂર્ણ કરીશું.