Chhattisgarh: છત્તીસગઢમાં નકસલવાદીઓ પર સુરક્ષાદળોનો પ્રહાર, 6 નક્સલી ઠાર
બીજાપુર: છત્તીસગઢમાં નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાન(Anti-Naxalite operation) માં સુરક્ષા દળોને મહત્વની સફળતા હાથ લાગી છે. છત્તીસગઢના બીજાપુર(Bijapur)માં સુરક્ષા દળો સાથેની અથડામણમાં છ નક્સલવાદી માર્યા ગયા છે, જેમાં બે મહિલા નક્સલવાદીનો પણ સમાવેશ થાય છે.
કેટલાક નક્સલવાદીઓ જીવ બચાવી ભાગ્ય હતા. પોલીસે માર્યા ગયેલા નક્સલવાદીઓ પર લાખો રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. હાલ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ જવાનો હાજર છે.
બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિકુરભટ્ટી અને પુસાબકા ગામના જંગલોમાં આ એન્કાઉન્ટર થયું હતું. સુરક્ષાકર્મીઓની એક સંયુક્ત ટીમ દ્વારા નક્સલ વિરોધી અભિયાન ચલવવામાં આવી રહ્યું છે. ટીમ જંગલમાં તપાસ આભિયન ચલાવી રહી હતી ત્યારે અચાનક ગોળીબાર શરૂ થયો હતો. સુરક્ષા દળોએ વળતો ગોળીબાર કરી નકસલવાદીઓને ઠાર કરી દીધા હતા. આ ઓપરેશનમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને CoBRA (કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન)ના જવાનો સામેલ હતા.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બીજાપુરમાં થયેલા એન્કાઉન્ટરમાં છ નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ એન્કાઉન્ટર બાસાગુડા પોલીસ સ્ટેશનની હદમાં ચિકુરભટ્ટી અને પુસાબકા ગામોના જંગલોમાં થયું હતું. ગોળીબાર બંધ થયા પછી, સ્થળ પરથી એક મહિલા સહિત છ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હતા.
એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા 6 નક્સલવાદીઓમાંથી 4 ની ઓળખ થઈ ગઈ છે. માર્યા ગયેલા નક્સલવાદીઓમાં નાગેશ (ડેપ્યુટી કમાન્ડર પ્લેટૂન નંબર 10), સોની (નાગેશની પત્ની), ગંગી (ACM) અને આયાતુ (સદસ્ય પ્લાટૂન નંબર 10)નો સમાવેશ થાય છે.
અધિકારી જણાવ્યું કે સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. એવી આશંકા છે કે જવાબી હુમલો થઈ શકે છે. એટલા માટે સૈનિકો સતર્ક છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢના બીજાપુર જિલ્લાના બાસાગુડા વિસ્તારમાં હોળીના તહેવારના દિવસે અજાણ્યા લોકોએ ત્રણ ગ્રામવાસીઓ પર કુહાડી વડે હુમલો કરીને તેમની હત્યા કરી નાખી હતી. પોલીસે આ હત્યાકાંડ પાછળ નક્સલવાદી ઘટના હોવાનું જણાવ્યું હતું.
બીજાપુર નક્સલવાદીઓનો ગઢ છે. દબદબો જાળવી રાખવા માટે નક્સલવાદીઓએ 30 માર્ચે બીજાપુર બંધનું એલાન આપ્યું હતું. આ પહેલા પણ સુરક્ષાદળોના એનકાઉન્ટરે નક્સલવાદીઓના ઈરાદા તોડી પાડ્યા છે.
બીજાપુર જિલ્લો બસ્તર લોકસભા ક્ષેત્રમાં આવે છે જ્યાં 19 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન થશે.