છત્તીસગઢમાં ચૂંટણીની મોસમ ચાલી રહી છે, એમાં વચ્ચે ‘મહાદેવ એપ’ના મુદ્દે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. બીજેપી ‘મહાદેવ એપ’ના મુદ્દાને ચૂંટણીનો મુદ્દો ગણાવી રહી છે અને રાજ્યના સીએમ ભૂપેશ બઘેલને નિશાન બનાવી રહી છે. જોકે, કૉંગ્રેસના મુખ્ય પ્રધાન બઘેલ તેમના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવી રહ્યા છે. શનિવારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે આવ્યા ત્યારે તેમણે કોંગ્રેસને ઘેરતા કહ્યું હતું કે છત્તીસગઢ સરકારે જનતાનો વિશ્વાસ તોડ્યો છે.
તેઓએ મહાદેવનું નામ પણ નથી છોડ્યું. આવો જાણીએ શું છે આ આખો મામલો અને શા માટે તેના પર હોબાળો થઇ રહ્યો છે…..
મહાદેવ એપનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે કરવામાં આવી રહ્યો હતો. મહાદેવ એપ ઘણા સમયથી EDના રડાર પર છે. મહાદેવ એપ કેસ એક હાઈ-પ્રોફાઈલ કૌભાંડ છે જેમાં ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ સામેલ છે. તેના દ્વારા પોકર, પત્તાની રમત, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ અને ક્રિકેટ જેવી અનેક રમતો પર ગેરકાયદેસર જુગાર રમાડવામાં આવતો હતો. મહાદેવ બુક એપ સટ્ટાબાજી માટે ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે.
તેના પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ રાયપુરના રહેવાસી છે અને બંને દુબઈમાં હોવાની આશંકા છે. સૌરભ પહેલા જ્યુસ વેચતો હતો. ભારતમાં આ એપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઇડીએ થોડા મહિના પહેલા આ મામલે એક આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરના કથિત રીતે છત્તીસગઢના સીએમના રાજકીય સલાહકાર સાથે સંબંધો છે. એવી શંકા છે કે સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલે કાયદા અમલીકરણ અધિકારીઓ, રાજકારણીઓ અને અન્યોને તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અવગણવા માટે કરોડો રૂપિયાની લાંચ આપી હતી.
છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે. એવામાં ઇડીને બાતમી મળી હતી કે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાદેવ એપના પ્રમોટરો દ્વારા મોટી માત્રામાં રોકડ છત્તીસગઢ લઈ જવામાં આવી રહી છે. ઇડીએ હોટેલ ટ્રાઇટન અને અન્ય સ્થળો પર સર્ચ હાથ ધર્યું હતું.
સત્તાધારી કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ખર્ચ માટે મોટી રકમની રોકડ પહોંચાડવા માટે UAEથી ખાસ મોકલવામાં આવેલા ‘કેશ કુરિયર’ અસીમ દાસની અટકાયત કરવામાં આવી હતી. અસીમ દાસે આરોપ લગાવ્યો હતો કે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને UAE સ્થિત એપ પ્રમોટર્સ પાસેથી રૂ. 508 કરોડ મળ્યા હતા. જોકે, છત્તીસગઢના સીએમએ આ દાવાઓને ફગાવી દીધા છે.
EDએ મહાદેવ એપના કેટલાક બેનામી બેંક ખાતા પણ શોધી કાઢ્યા છે જેમાં 15.59 કરોડ રૂપિયાની બાકી રકમ ફ્રીઝ કરવામાં આવી છે. EDએ અસીમ દાસની ધરપકડ કરી છે. EDએ પોલીસ કોન્સ્ટેબલ ભીમ યાદવની પણ પૂછપરછ કરી હતી અને તેની ધરપકડ કરી હતી . EDની તપાસમાં સામે આવ્યું છે કે ભીમ યાદવ છેલ્લા 3 વર્ષમાં અનધિકૃત રીતે દુબઈ ગયો હતો. તેણે મહાદેવ એપના ભવ્ય કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને તેમનો પ્રવાસ ખર્ચ આહુજાની મેસર્સ રેપિડ ટ્રાવેલ્સ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, જે મહાદેવ એપની મની લોન્ડરિંગ અને ટિકિટિંગ કંપની છે. તે છત્તીસગઢના વરિષ્ઠ અધિકારીઓ અને રાજકારણીઓના ફાયદા માટે મહાદેવ એપના પ્રમોટર્સ પાસેથી લાંચના પૈસા મેળવવાનું એક માધ્યમ હતું.
આ દરમિયાન ભાજપે એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો મહાદેવ એપના કથિત પ્રમોટર શુભમ સોનીનો છે. શુભમ પોતાને મહાદેવ એપનો માલિક ગણાવી રહ્યો છે. વીડિયોને ટાંકીને ભાજપે દાવો કર્યો છે કે ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હોવાના મજબૂત પુરાવા છે. બીજેપીએ કહ્યું, દુબઈમાં બેઠેલા આરોપી શુભમ સોનીએ આ વીડિયોમાં મહાદેવ એપની સંપૂર્ણ કહાણી કહી છે. આ સિન્ડિકેટમાં સીએમ બઘેલ, તેમના પુત્ર બિટ્ટુ, તેમના રાજકીય સલાહકાર વિનોદ વર્મા અને એક આઈપીએસ અધિકારીનો સમાવેશ થાય છે.
સીએમ ભૂપેશ બઘેલે આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તમામ સરકારી એજન્સીઓ ભાજપની છે. માત્ર મને બદનામ કરવામાં આવી રહ્યો છે. ભાજપના લોકોને શરમ નથી. ભાજપ મારાથી ડરે છે, તેથી જ મારું નામ લઈને મને બદનામ કરી રહી છે. બઘેલે દાવો કર્યો હતો કે તેઓ એવા વ્યક્તિને પણ ઓળખતા નથી કે જેના વીડિયોના આધારે ભાજપ તેમના પર આરોપ લગાવી રહી છે.
Taboola Feed