છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળોને સફળતા મળી, છ નક્સલવાદીઓ ઠાર

બીજાપુર : દેશના નક્સલ પ્રભાવિત રાજ્યોમાંથી નક્સલ નાબૂદી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ અથડામણમાં છ નક્સલવાદીઓ માર્યા ગયા છે જયારે બે સૈનિકો પણ શહીદ થયા છે. આ અંગે મળતી માહિતી મુજબ સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે આ ભીષણ અથડામણ છત્તીસગઢના બીજાપુર-દંતેવાડા સરહદ પર થઈ હતી.
બે ડીઆરજી જવાનો પણ શહીદ
આ અથડામણ અંગેની મહિતી આપતા દાંતેવાડાના ડીઆઈજી કમલોચન કશ્યપે જણાવ્યું હતું કે બે કલાક સુધી સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ભીષણ ગોળીબાર ચાલુ હતો. જેમાં અત્યાર સુધીમાં છ માઓવાદીઓ માર્યા ગયા છે અને તેમના મૃતદેહ મળી આવ્યા છે. આ અથડામણમાં બે ડીઆરજી જવાનો પણ શહીદ થયા છે. બીજાપુરના ગંગાલુર વિસ્તારમાં આ અથડામણ ચાલી રહી છે.
આ પણ વાંચો : છત્તીસગઢમાં નક્સલવાદીઓ સામે કાર્યવાહીમાં કોબ્રા કમાન્ડો શહીદ, એક નક્સલી ઠાર
બંને બાજુથી ભારે ગોળીબાર
જયારે અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર હજુ પણ બંને બાજુથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે. પોલીસે ગંગાલુર વિસ્તારમાં નક્સલીઓને ઘેરી લીધા છે. અત્યાર સુધીમાં છ નક્સલીઓ માર્યા ગયા છે. મૃત્યુ આંક વધુ વધી શકે છે. આ અંગે સુરક્ષા દળોને બીજાપુરના ગંગાલુર વિસ્તારના જંગલોમાં નક્સલી પ્રવૃત્તિ વિશે માહિતી મળી હતી.
આ પણ વાંચો : છત્તીસગઢમાં નક્સલવાદીઓ સામે લડતા ગુજરાતના જવાન શહીદ, એક આતંકી ઠાર
વર્ષ 2025માં છત્તીસગઢમાં 268 નક્સલીઓ માર્યા ગયા
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2025 માં છત્તીસગઢમાં અથડામણમાં માર્યા ગયેલા નક્સલીઓની સંખ્યા 268 પર પહોંચી ગઈ છે. જેમાંથી 239 બસ્તર ક્ષેત્રમાં માર્યા ગયા હતા. જેમાં બીજાપુર સહિત સાત જિલ્લાઓનો સમાવેશ થાય છે. રાયપુર ક્ષેત્રના ગારિયાબંધમાં સત્તર નક્સલીઓ અને દુર્ગ ક્ષેત્રના મોહલા-માનપુર-અંબાગઢ ચોકી જિલ્લામાં બે નક્સલીઓ માર્યા ગયા હતા.



