છાંગુર બાબાનો મોટો ખુલાસો, ગેરકાયદે ધર્માતરણ રેકેટમાં ચાર સરકારી અધિકારીઓ પણ સામેલ

લખનૌ : ઉત્તર પ્રદેશના ગેરકાયદે ધર્માતરણ કેસના માસ્ટર માઈન્ડ છાંગુર બાબા અને સાથી નીતુએ અનેક સ્ફોટક ખુલાસા કર્યા છે. છાંગુર બાબાના રેકેટમાં ચાર સરકારી અધિકારીઓ પણ સામેલ હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી છે. વર્ષ 2019 થી 2024 સુધી બલરામપુરમાં રહેલા એક એડીએમ, બે સીઓ અને એક ઇન્સ્પેકટરે છાંગુર બાબાને મદદ કરી હતી. આ અધિકારીઓ છાંગુર બાબાની સૂચના બાદ કોઈપણ કામ કરવા માટે તૈયાર રહેતા હતા.
15 વર્ષથી ગેરકાયદે ધર્માંતરણમાં સામેલ
આ ઉપરાંત યુપી એટીએસની તપાસમાં ગેરકાયદે ધર્માંતરણના મુખ્ય સૂત્રધાર જલાલુદ્દીન અને તેની સાથી નીતુએ અનેક મોટા ખુલાસા કર્યા હતા. પોલીસ રિમાન્ડના પ્રથમ દિવસે છાંગુર બાબા અને નીતુએ એટીએસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેઓ છેલ્લા 15 વર્ષથી ગેરકાયદે ધર્માંતરણમાં સામેલ હતા. છાંગુર બાબાએ પણ ઘણા દેશો સાથે સંબંધો હોવાની કબૂલાત કરી હતી.
હિંદુ બનીને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતા
છાંગુર બાબા સમગ્ર દેશમાં ગેરકાયદે ધર્માંતરણ માટે નેટવર્ક ધરાવતો હતો. જેની માટે સમગ્ર દેશમાં 3000 લોકોને રાખવામાં આવ્યા હતા. આ રેકેટ ઉત્તર પ્રદેશ, બંગાળ, તમિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્રના ફેલાયેલું છે. આ લોકો હિંદુ બનીને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતા હતા.
આપણ વાંચો: ઝારખંડના બોકારોમાં અથડામણમાં બે માઓવાદી ઠાર; એક CRPF જવાન શહીદ
લખનૌની અદાલતમાં રજૂ કરશે
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના ગેરકાયદે ધર્માતરણ કેસના માસ્ટર માઈન્ડ છાંગુર બાબા અને તેમની સહયોગી નીતુના પોલીસ રિમાન્ડ આજે પૂર્ણ થવાના છે. ઉત્તર પ્રદેશ એટીએસ આજે બંનેને લખનૌની અદાલતમાં રજૂ કરશે અને રિમાન્ડ વધારવાની માંગ કરશે. છાંગુર બાબા અને સાથી નીતુ 10 જુલાઈથી યુપી એટીએસના રિમાન્ડ પર છે.