મેડિકલ સ્ટોરમાં કામ કરતા ઈદરીસને બેંક તરફથી આ મેસેજ તો આવ્યો પણ…
ચેન્નઈમાં એક મેડિકલ સ્ટોરમાં કામ કરતા કર્મચારીને બેંકે એક જ સેક્ન્ડમાં કરોડપતિ બનાવી દીધો. જોકે થોડી જ મિનિટોમાં તે હતો ત્યાં ને ત્યાં આવી પણ ગયો. પહેલા તો તે ચોંકી ગયો જયારે તેના ફોન પર SMS આવ્યો કે તેના ખાતામાં 753 કરોડ રૂપિયા વધ્યાં છે. એક અહેવાલ અનુસાર કરન કોવિલના રહેવાસી મોહમ્મદ ઈદરીસ તેનામાપેટ નામના વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં કામ કરે છે. તેણે ગઈકાલે પોતાના ખાતામાંથી 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જયારે ઇદરીસે પોતાના ખાતાનું બેલેન્સ ચેક કર્યું તો તે ચોંકી ગયો હતો. કારણ કે SMSમાં કહેવામાં આવ્યું હતું કે તેના ખાતાનું બેલેન્સ 753 કરોડ રૂપિયા છે.
SMS મળતા જ ઈદરીસ બેંકે પહોંચી ગયો હતો. જયારે બેંકને આ વાતની જાણ થઇ તો બેંકે તરત જ તેનું એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું હતું. બેંક અધિકારીઓ કહ્યું કે આ રકમ ટેક્નિકલ ખામીના કારણે ઈદરીસના ખાતામાં જમા થઇ છે. ઇદરીસે જણાવ્યું હતું કે બેંક શાખાના અધિકારીઓએ યોગ્ય ખુલાસો કર્યો ન હતો.
બેંકના પ્રવક્તાએ કહ્યું કે આ ભૂલ SMS મેસેજિંગમાં ખામીને કારણે થઈ છે. તેણે કહ્યું, ખોટા એકાઉન્ટ બેલેન્સ માત્ર મેસેજમાં જ દેખાય છે, એકાઉન્ટમાં નહીં. અમે પુષ્ટિ કરવા માંગીએ છીએ કે ગ્રાહકનું ખાતું બંધ નથી થયું. તેણે કહ્યું કે એક ટીમ ભૂલ સુધારવા માટે કામ કરી રહી છે.
તમિલનાડુમાં અગાઉ પણ આવી ઘટના બની છે. અગાઉ ચેન્નઈના કેબ ડ્રાઈવર રાજકુમારના બેંક એકાઉન્ટમાં 9000 કરોડ રૂપિયા જમા થયા હતા. પોતાના બેંક એકાઉન્ટમાં આટલી મોટી રકમ જોઇને તે મુંઝાઈ ગયો હતો. તેણે આ મુદ્દો ઉઠાવતાની સાથે જ બેંકે તાત્કાલિક પગલાં લીધા અને પૈસા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. તો તંજાવુરના ગણેશન સાથે પણ આવી જ એક ઘટના બની હતી, જ્યાં તેને તેના બેંક ખાતામાં 756 કરોડ રૂપિયા મળ્યા હોવાનું જાણવા મળ્યું હતું.