
દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને લઇને એક મોટા સમાચાર આવ્યા છે. યમુનોત્રી ધામ પદયાત્રાના માર્ગ પર કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. ઉત્તરકાશી જિલ્લા વહીવટે યમુનોત્રીમાં ભીડ પર કાબૂ મેળવવા આ નિર્ણય લીધો છે.
કલેક્ટરના આદેશ મુજબ જાનકી ચટ્ટીથી યમુનોત્રી સુધીના પદયાત્રાના માર્ગ પર ઘોડા-ખચ્ચર અને લાકડીઓની સંખ્યા નક્કી કરવામાં આવી છે. નવી વ્યવસ્થા અંતર્ગત જાનકી ચટ્ટીથી યમુનોત્રી ધામના દર્શન કરીને ૫ કલાકમાં પરત ફરવું પડશે.
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાની શરૂઆતથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ભીડને કારણે ટ્રાફિક જામ થતા તમામ વ્યવસ્થાઓ ખોરવાઇ ગઇ છે. આ જ કારણ છે કે ઉત્તરકાશીના કલેક્ટરે ભીડને નિયંત્રિત કરવા માટે કલમ ૧૪૪ લાગૂ કરવાનો આદેશ આપ્યો છે.
યમુનોત્રી તીર્થ માર્ગ પર ઘોડા અને ખચ્ચરની સંખ્યા ૮૦૦ નક્કી કરવામાં આવી છે. તેમના આવવા અને જવાનો સમય સવારે ૪ થી સાંજના ૫ વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો છે. આ સાથે દરેક ઘોડા-ખચ્ચર માટે યમુનોત્રીથી મુસાફરને લઇ જવા અને દર્શન કરીને પાછા ફરવાની સમય મર્યાદા પાંચ કલાક નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ચારધામ યાત્રામાં ગંગોત્રી-યમનોત્રીમાં ફસાયેલા ગુજરાતીઓની વહારે ગુજરાત સરકાર
આદેશમાં સ્પષ્ટ કહેવાયું છે કે ૫ કલાકથી વધુ સમય સુધી કોઇ ઘોડો કે ખચ્ચર મુસાફરીના માર્ગ પર રહેશે નહીં. યમુનોત્રી ધામ પહોંચતા જ શ્રદ્ધાળુઓને ૬૦ મિનિટમાં યમુનોત્રીના દર્શન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ મંદિર સમિતિથી શરૂ કરીને તમામ વિભાગોની જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે.
નોંધનીય છે કે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ૧૦ મેના રોજ શરૂ થઇ હતી. ત્યારથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. અહીં ૧૧ દિવસમાં ૨૧ યાત્રિઓના મૃત્યુ થયા છે. બદ્રીનાથ ધામમાં અત્યાર સુધીમાં ૭નાં મૃત્યુ થયા છે. જ્યારે ગંગોત્રી-યમુનોત્રી ધામમાં ૧૪ લોકોના મોત થયા છે. જેમાંથી મોટાભાગના યાત્રિઓના મોતનું કારણ હાર્ટ એટેક દર્શાવાયું છે.