
દેહરાદુન: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા(Chardham Yatra) શરૂ થયાને એક અઠવાડિયું થઈ ગયું છે. ચારધામ યાત્રા માટે પ્રસાશનની ધારણાથી ઘણી વધારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. વ્યવસ્થામાં ખામીઓને કારણે રાજ્ય દેશભરના મીડિયા પ્લેટફોર્મમાં સરકારની ટીકા કરવામાં આવી હતી, ત્યાર બાદ સરકારે નિયમનકારી પગલા લીધા હતા જેની અસરથી શ્રદ્ધાળુઓનો ધસારો ઓછો થયો છે. અહેવાલો મુજબ ધીમે ધીમે સ્થિતિ સામાન્ય થઇ રહી છે.
રાજ્ય સરકારે રજીસ્ટ્રેશન વગર ચાર ધામની યાત્રા માટે આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સિવાય દરેક જગ્યાએ રજીસ્ટ્રેશન, ટ્રીપ કાર્ડ અને ગ્રીન કાર્ડની તપાસ કરવામાં આવી રહી છે. સરકારના પગલાઓની અસર જોવા મળી રહી છે અને ભક્તોની ભીડને નિયંત્રણમાં આવી છે.
ઉત્તરાખંડ મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ ગ્રાઉન્ડ પર જઈને ચારધામ યાત્રા માટેની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે યાત્રાળુઓની સમસ્યાઓ સાંભળી અને તમામ અધિકારીઓને કડક સૂચનાઓ પણ આપી. આ વખતે ચારધામ યાત્રા માટે વધુ પડતી ભીડ કારણે પોલીસ અને પ્રશાસન માટે પડકારરૂપ બની રહી છે.
એક અહેવાલ મુજબ લગભગ 30 લાખ શ્રદ્ધાળુઓએ ચાર ધામોની યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હાલ ભીડને જોતા 19 મે સુધી ઓફલાઈન રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ શનિવાર સુધીમાં 92 હજાર શ્રદ્ધાળુઓએ બદ્રીનાથની મુલાકાત લીધી છે, 2 લાખ 15 હજાર શ્રદ્ધાળુઓ કેદારનાથના દર્શન કરી ચુક્યા છે. 1 લાખ 11 હજાર શ્રદ્ધાળુઓએ યમનોત્રીના દર્શન કર્યા છે. 1 લાખ શ્રદ્ધાળુઓએ ગંગોત્રીના દર્શન કર્યા છે.