આ દિવસે ગંગોત્રી ધામના કપાટ થશે બંધ; દર્શન કરવા જતા પહેલા જાણી લો તારીખ…
નવી દિલ્હી: ઉત્તરાખંડ ચારધામ યાત્રાના કપાટ બંધ થવાની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. શિયાળાના ઋતુ માટે કેદારનાથ અને બદ્રીનાથ, ગંગોત્રી-યમુનોત્રી સહિત ચારેય ધામોના કપાટ બંધ રહેશે. ગંગોત્રી ધામના તીર્થ પુરોહિતોએ શારદીય નવરાત્રીની નવમી તીથીના રોજ કપાટ બંધ કરવાની તીથી નિર્ધારણ કરી છે. ગંગોત્રી ધામના કપાટ આગામી 2 નવેમ્બરના રોજ અભિજીત મુહૂર્તના રોજ બપોરે 12:14 કલાકે બંધ કરવામાં આવશે. બાદમાં ભારત અને વિદેશથી આવતા ભક્તોને માતા ગંગાના દર્શન મુખબા ગામથી જ કરી શકશે. 3જી નવેમ્બરે યમુનોત્રી ધામના કપાટ ભક્તો માટે બંધ કરી દેવામાં આવશે.
શુક્રવારના રોજ શારદીય નવરાત્રીના નવમા દિવસે ગંગોત્રી મંદિર સમિતિ અને તીર્થ પુરોહિતે ગંગોત્રી ધામના કપાટ બંધ કરવા માટેની તીથી અને શુભ મુર્હુતની જાહેરાત કરી હતી. નિયત કરેલા મુર્હુત અનુસાર 2જી નવેમ્બરે ભક્તો માટે ગંગોત્રી ધામના કપાટ આગામી 6 મહિના માટે બંધ રહેશે. કપાટ બંધ થયા બાદ માતા ગંગાની ઉત્સવની ડોલીને તેમના માતૃસ્થાન મુખીમઠ એટલે કે મુખબા માટે રવાના થશે.
ગંગોત્રી મંદિર સમિતિના અધ્યક્ષ હરીશ સેવામલે જણાવ્યું કે માતા ગંગાની શોભાયાત્રા ગંગોત્રી ધામથી 2 નવેમ્બરે બપોરે 12.15 કલાકે નીકળશે. જે રાત્રી પ્રવાસ માટે ભૈરો ખીણ સ્થિત દેવી મંદિર પહોંચશે. જ્યાં રાત્રિના વિશ્રામ બાદ બીજા દિવસે 3જી નવેમ્બરે ભાઈ બીજના દિવસે માતા ગંગાની ઉત્સવની ડોલી મુખબા ગામે પહોંચશે. જ્યાં દેશ-વિદેશથી આવતા યાત્રિકો અને શ્રદ્ધાળુઓ શિયાળાના છ મહિના મુખબા ગામમાં માતા ગંગાના દર્શન કરી શકશે. તે જ સમયે યમુનોત્રી ધામના કપાટ બંધ કરવાનો શુભ મુહૂર્ત શનિવારે કાઢવામાં આવશે.