Char Dham Yatra : ચાર ધામ યાત્રાને લઇને આવ્યા મહત્વના સમાચાર, આ લોકોને નહિ મળે અત્યારે દર્શનનો લાભ
દેહરાદૂન : 10 મેથી શરૂ થનારી ચાર ધામ યાત્રાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ઉતરાખંડ સરકારે વીવીઆઇપી દર્શન માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ચાર ધામ યાત્રાને લઇને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડ સરકારે VIP લોકોને 25 મે સુધી ચારધામ યાત્રા પર ન આવવા વિનંતી કરી છે. ઉત્તરાખંડ સરકારે બુધવારે કહ્યું કે પ્રથમ 15 દિવસ દરમિયાન વીવીઆઈપી ભક્તોએ યાત્રામાં ન આવવું જોઈએ જેથી સામાન્ય શ્રદ્ધાળુઓને દર્શનમાં કોઈ મુશ્કેલી સામનો ના કરવો પડે.
પ્રથમ 15 દિવસમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના
ઉત્તરાખંડ સરકારના મુખ્ય સચિવ રાધા રાતુરીએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. પત્રમાં રતુરીએ જણાવ્યું છે કે “છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં ચાર ધામમાં જનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને આ વર્ષે પણ પ્રથમ 15 દિવસમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે. તેમણે કહ્યું, ‘ભક્તોના અણધાર્યા આગમનની સંભાવનાને ધ્યાનમાં રાખીને, વીવીઆઇપી અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ 10 મેથી 25 મેના સમયગાળા દરમિયાન ચારધામની મુલાકાત મુલતવી રાખે “
ચારધામ યાત્રા 10 મેથી શરૂ થશે
ચાર ધામ તરીકે પ્રખ્યાત ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ધામની યાત્રા 10 મેથી શરૂ થઈ રહી છે. જ્યારે ગંગોત્રી, યમુનોત્રી અને કેદારનાથના દરવાજા અક્ષય તૃતીયાના દિવસે 10મી મેના રોજ ખુલશે, જ્યારે બદ્રીનાથના દરવાજા 12મી મેના રોજ ખુલશે. ચારધામ યાત્રા શરૂ થાય તે પહેલા જ દેશભરના શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં ચારધામ વેબ પોર્ટલ, મોબાઈલ એપ અને વોટ્સએપ દ્વારા 17.88 લાખ લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.