નેશનલ

મદ્રાસનું ચેન્નઈ કર્યું, કેરળને કેરલમ કરવાની માંગ, તો પછી INDIAને ભારત કહેવામાં શું છે સમસ્યા

પાઠ્યપુસ્તકોમાં ઈન્ડિયાને બદલે ભારત લખવાના NCERT કમિટીની ભલામણને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણા રાજ્યો આનો વિરોધ પણ કરી રહ્યા છે જ્યારે વિરોધપક્ષ આને રાજકારણ ગણાવી રહ્યો છે ત્યારે કમિટીના ચેરમેને ખુલાસો કર્યો છે.

પ્રોફેસર સીઆઈ ઈસાકે કહ્યું કે, ભારત નામ બાળકોમાં ગર્વની ભાવના પેદા કરે છે. આ કારણે અમે તમામ શાળાના અભ્યાસક્રમમાં ઇન્ડિયાને બદલે ભારત લખવાની ભલામણ કરી છે. થોડા દિવસ પહેલા જ NCERT પેનલે તમામ શાળાના પાઠ્યપુસ્તકોમાં ઇન્ડિયાની બદલે ભારત લખવાનો પ્રસ્તાવ મૂક્યો છે.


પ્રોફેસર સીઆઈ ઈસાકે આ મુદ્દા પર થતા વિરોધના જવાબ આપતા કહ્યું કે, મદ્રાસનું નામ બદલીને ચેન્નાઈ અને ત્રિવેન્દ્રમનું નામ બદલીને તિરુવનંતપુરમ કરી દેવામાં આવ્યું છે ઉપરાંત તાજેતરમાં કેરળને કેરલમ કરવાની માંગ થઇ રહી છે તો એવામાં ઇન્ડિયાને ભારત કહેવામાં સમસ્યા શું છે? ભારત નામ લગભગ 7,000 વર્ષ જૂનું છે. તેની સરખામણીએ ઇન્ડિયા નામ માત્ર 150 વર્ષ જૂનું છે. વળી, ભારત શિખવાડવાથી બાળકોમાં પણ દેશના સમૃદ્ધ ઈતિહાસના ગૈરવની ભાવના આવશે.


પ્રોફેસર ઈસાકે કહ્યું કે, ધોરણ 7-12ના ધોરણથી સામાજિક વિજ્ઞાનની પાઠ્યપુસ્તકોમાં ભારત નામ ભણાવવું જોઈએ. નવી શિક્ષણ નીતિની રચના બાદ સમિતિએ વિચાર્યું કે ભારત નામ વિદ્યાર્થીઓને શીખવવામાં આવે. ઉપરાંત તેમણે કહ્યું કે, અમે ઈચ્છતા હતા કે આવનારી પેઢી ભારત નામ શીખે.


અત્રે ઉલ્લેખનીય છે કે બિનભાજપ રાજકીય પક્ષોએ મહાગઠબંધન કર્યું છે અને તેને ઈન્ડિયા નામ આપ્યું છે ત્યારથી ઈન્ડિયા અને ભારતના વિવાદની શરૂઆત થઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button