નેશનલ

Chandrayaan-Mission: ઈસરો બે તબક્કામાં લોન્ચ કરશે ચંદ્રયાન-4 મિશન

બેંગલુરુઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) ચંદ્રયાન-૩ની ઐતિહાસિક સફળતા બાદ ફરી એક વાર ઇતિહાસ રચવાની તૈયારી કરી રહ્યું છે. ઇસરો તેના આગામી ચંદ્ર મિશનની તૈયારીમાં છે. ચંદ્ર પર ભારતના આગામી મિશનનું નામ ચંદ્રયાન-૪ છે.

આ મિશનની સૌથી મોટી ખાસિયત એ છે કે આ મિશનને એક નહીં પરંતુ બે તબક્કામાં લોન્ચ કરવામાં આવશે. બે અલગ-અલગ લોન્ચ વેહિકલ દ્વારા રવાના કરવામાં આવશે. ચંદ્રયાન-૪ માત્ર ચંદ્ર પર લેન્ડ જ નહીં કરે પરંતુ તેની સપાટી પરથી માટી અને પથ્થર લઇને પાછું પૃથ્વી પર આવશે. ચંદ્રયાન-૪ની બનાવટ ચંદ્રયાન-૩થી અલગ હશે.

ચંદ્રયાન-૩માં મુખ્યત્વે ત્રણ ઉપકરણ-લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યૂલ હતા. જ્યારે ચંદ્રયાન-૪માં વધારાના બે ઉપકરણ જોડાશે. આ ઉપકરણો ચંદ્રની સપાટી પરથી નમૂના એકઠા કરશે અને તેને લઇને પૃથ્વી પર આવશે.

ઇસરોના ચીફ એસ. સોમનાથે નેશનલ સ્પેસ સાયન્સ સિમ્પોસિયમમાં આ મિશન વિશે જે જાણકારી આપી હતી, તે અનુસાર ચંદ્રયાન-૪ના ઉપકરણમાં પાંચ સ્પેસક્રાફ્ટના મોડ્યૂલ સ્થાપિત હશે. પ્રોપલ્શન મોડ્યૂલ- ચંદ્રયાન-૩ની જેમ પ્રોપલ્શન મોડ્યૂલ ચંદ્રની ભ્રમણકક્ષામાં ચંદ્રયાન-૪ને માર્ગદર્શન આપશે. ડિસેંડર મોડ્યૂલ- આ મોડ્યૂલ ચંદ્રયાન-૩ના વિક્રમ લેન્ડરની માફક કામ કરશે. અસેન્ડર મોડ્યૂલ- ચંદ્રની સપાટી પરથી નમૂના એકઠા કરીને તેની પાસે સુરક્ષિત રાખ્યા બાદ અસેન્ડર મોડ્યૂલ લેન્ડરની બહાર નીકળીને પૃથ્વી તરફ પાછુ વળશે.

ટ્રાન્સફર મોડ્યૂલ- આ અસેન્ડર મોડ્યૂલને લઇને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળશે. રી-એન્ટ્રી મોડ્યૂલ- આ ચંદ્રની સપાટી પરથી નમૂના લાવનાર મોડ્યૂલ હશે જે પૃથ્વીની સપાટી પર લેન્ડ કરશે.

ચંદ્રયાન-૪ના પાંચેય ઉપકરણ એક સાથે લોન્ચ નહિં કરવામાં આવે. ઇસરો ચીફ અનુસાર ભારતના સૌથી ભારે લોન્ચ વેહિકલ એલવીએમ-૩ દ્વારા ચંદ્રયાન-૪ના ત્રણ ઉપકરણ રવાના કરવામાં આવશે. જેમાં પ્રોપલ્શન મોડ્યૂલ, ડિસેન્ડર મોડ્યૂલ અને અસેન્ડર મોડ્યૂલનો સમાવેશ થાય છે. જેનું લોન્ચિંગ ૨૦૨૩માં ચંદ્રયાન-૩ના લોન્ચિંગની જેમ જ થશે. ટ્રાન્સફર મોડ્યૂલ અને રી-એન્ટ્રી મોડ્યૂલને પોલર સેટેલાઇટ લોન્ચ વેહિકલ(પીએસએલવી) દ્વારા છોડવામાં આવશે.

જોકે ક્યું લોન્ચિંગ પહેલા થશે તેના વિશે ઇસરોએ હજુ ખુલાસો કર્યો નથી. એક મિશનને પૂર્ણ કરવા માટે બે અલગ-અલગ લોન્ચ વેહિકલનો ઉપયોગ કરવામાં આવે એવું આ પહેલું મિશન સાબિત થશે. જો આ મિશન સફળતાપૂર્વક પાર પડશે તો ચંદ્રની સપાટી પરથી ધરતી પર નમૂના લાવનાર ભારત દુનિયાનો ચોથો દેશ બની જશે. ઇસરો આ મિશનને લઇને આગામી દિવસોમાં વધુ જાણકારી આપી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button