નેશનલ

‘મહાદેવ’ એપનો પ્રમોટર ચંદ્રાકર દુબઈમાં નજરકેદ, ભારત લવાશે

આરોપી દીપક નેપાળી છત્તીસગઢમાંથી પકડાયો

નવી દિલ્હી: સટ્ટાબાજીના આરોપમાં બંધ કરાયેલી ‘મહાદેવ’ એપના પ્રમોટર અને માસ્ટર માઈન્ડ સૌરભ ચંદ્રાકરને દુબઈમાં નજરકેદ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં એને ભારત લાવવામાં આવશે. ‘મહાદેવ’ એપના સૂત્રધારોમાંના એક દીપક નેપાલીને ડ્રગ ક્રાઈમ બ્રાંચ અને વૈશાલી નગરની પોલીસે છત્તીસગઢમાંથી ધરપકડ કરી હતી.

સૂત્રોનાં જણાવ્યાં અનુસાર યુએઈ સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની વિનંતી પર ચંદ્રાકર વિરુદ્ધ જારી કરાયેલી રેડ કોર્નર નોટિસને ધ્યાનમાં લઈને આ પગલું ભર્યું છે. જોકે ઇડીએ આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

કેટલાક મીડિયા જૂથોએ સૂત્રોને ટાંકીને આ અંગે જાણ કરી છે. દુબઈમાં સૌરભ ચંદ્રાકરને નજરકેદમાં રાખવામાં આવ્યો છે. ચંદ્રાકરને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવી શકે છે.

દુબઈથી મળેલા અહેવાલો અનુસાર સૌરભ ચંદ્રાકરને ઘરની બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી નથી. યુએઈના અધિકારીઓ તેના પર નજર રાખી રહ્યા છે.

દુબઈના સત્તાવાળાઓ ભારતીય અધિકારીઓ દ્વારા તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરે તેની રાહ જોઈ રહ્યા છે.

‘મહાદેવ’ બેટિંગ એપ ઓનલાઈન સટ્ટાબાજી માટે બનાવવામાં આવી હતી. તેના પર યુઝર્સ પોકર, કાર્ડ ગેમ્સ, ચાન્સ ગેમ્સ નામની લાઈવ ગેમ્સ રમતા હતા. એપ દ્વારા ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ અને ચૂંટણી જેવી રમતોમાં પણ ગેરકાયદે સટ્ટો રમાડવામાં આવતો હતો. એપનું નેટવર્ક ગેરકાયદેસર સટ્ટાબાજીના નેટવર્ક દ્વારા ઝડપથી ફેલાઈ ગયું હતું અને છત્તીસગઢમાં સૌથી વધુ ખાતા ખોલવામાં આવ્યા.

‘મહાદેવ’ સટ્ટાબાજીની એપ ઘણી શાખાઓમાંથી ચલાવવામાં આવતી હતી. સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ દરેક શાખાને ફ્રેન્ચાઈઝી તરીકે વેચતા હતા. વપરાશકર્તાને શરૂઆતમાં જ નફો મળતો હતો અને પછી નુકસાન થતું હતું. બંનેએ ૮૦ ટકા નફો પોતાની પાસે રાખ્યો હતો. તે એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે ફક્ત ૩૦ ટકા વપરાશકર્તાઓ જ જીતે અને બાકીના હારી જાય.

છેતરપિંડી કરતી લોન એપ્સની જાહેરાતો ન કરવાનો આદેશ
નવી દિલ્હી: સરકારે સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મસને એ સુનિશ્ર્ચિત કરવા માટે નિર્દેશ આપ્યો છે કે તેઓ છેતરપિંડીવાળી લોન એપ્સની જાહેરાતો ન કરે.

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટીનાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે બુધવારે જણાવ્યું હતું કે આઇટી મંત્રાલયે ઓનલાઈન પ્લેટફોર્મસને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કપટપૂર્ણ લોન એપની જાહેરાતો લઈ શકે નહીં કારણ કે તે ગેરમાર્ગે દોરનારી છે અને ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોનું શોષણ કરે છે. ચંદ્રશેખરે જણાવ્યું હતું કે હવે આપણે જે ક્ષેત્રો પર કાર્યવાહી કરી રહ્યા છીએ તે છેતરપિંડીયુક્ત લોન એપ્સની જાહેરાત જે ઘણા પ્લેટફોર્મ વહન કરે છે અને અમે ગઈકાલની એડવાઈઝરી દ્વારા સ્પષ્ટ કર્યું છે કે કોઈ મધ્યસ્થી છેતરપિંડીવાળી લોન એપ્લિકેશન્સની જાહેરાતો લઈ શકે નહીં કારણ કે તે ભ્રામક હશે અને ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોનું શોષણ કરશે.

તેમણે કહ્યું કે સલામત અને વિશ્ર્વસનીય ઈન્ટરનેટ પર ન્યાયશાસ્ત્ર અને સરકારનો અભિગમ વિકસિત થઈ રહ્યો છે. આઈટી નિયમો સ્પષ્ટપણે પ્રતિબંધિત સામગ્રીના ૧૧ ક્ષેત્રોનો ઉલ્લેખ કરે છે.

ચીન સાથે સંકળાયેલી કંપનીઓની ₹ ૨૭૮ કરોેડથી વધુની સંપત્તિ જપ્ત
નવી દિલ્હી : મોબાઈલ આધારિત એપ ‘એચપીઝેડ ટોકન’ દ્વારા રોકાણકારોની કથિત છેતરપિંડીની મની લોન્ડરિંગ તપાસમાં ચીન સાથે કડી ધરાવતી કંપની સહિત વિવિધ એન્ટિટીની ૨૭૮ કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ જપ્ત કરી હોવાની માહિતી એન્ફ્ોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ આપી હતી.

ઈડીએ અગાઉ આ કેસમાં ૧૭૬.૬૭ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાઈ હતી.

ગુનાના ફાયદા સમી સ્થાવર અને જંગમ સંપત્તિ જેની કિંમત ૨૭૮.૭૧ કરોડ રૂપિયાની છે એ હેઠળ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ બહાર પડાયેલા હુકમના આધારે જપ્ત કરાઈ હતી. આ સંપત્તિ વિવિધ વ્યક્તિ અને ચીન સાથે કડી ધરાવતી
શેલ (ડમ્મી) એન્ટિટી છે જેણે રોકાણકારોને છેતર્યા હતા એવી માહિતી સેન્ટ્રલ એજન્સીએ એક નિવેદનમાં આપી હતી.

નાગાલૅન્ડના કોહિમામાં સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ઑક્ટોબર ૨૦૨૧માં ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટના આધારે મની લોન્ડરિંગ કેસ નોંધવામાં આવ્યો હતો. આમાં રોકાણકારોને માઈનિંગ બિટકોઈન્સ અને બીજી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણકારોને જંગી રીટર્ન આપવાનું વચન અપાયું હતું. આ માટે ‘એચપીઝેડ ટોકન’ એપનો ઉપયોગ કરાયો હતો. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ