ચંદ્રબાબુ નાયડુને મોટી રાહત, 4 અઠવાડિયા માટે વચગાળાના જામીન મળ્યા
અમરાવતીઃ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુને મોટી રાહત મળી છે. આંધ્રપ્રદેશ હાઈકોર્ટે એન ચંદ્રબાબુ નાયડુને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. આ રાહત 4 અઠવાડિયા માટે આપવામાં આવી છે. નાયડુ હાલમાં કરોડો રૂપિયાના કૌશલ્ય વિકાસ કૌભાંડ કેસમાં રાજમુન્દ્રી જેલમાં બંધ છે.
મંગળવારે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના વકીલ સુનાકારા કૃષ્ણમૂર્તિએ માહિતી આપી હતી કે એન ચંદ્રબાબુ નાયડુને કૌશલ્ય વિકાસ કેસમાં ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. ચંદ્રાબાબુ નાયડુને સ્વાસ્થ્યના કારણોસર જામીન આપવામાં આવ્યા હતા. તેમને 24 નવેમ્બરે આત્મસમર્પણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટ 10 નવેમ્બરે મુખ્ય જામીન અરજી પર દલીલો સાંભળશે.
TDP સુપ્રીમોને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ હોસ્પિટલમાં તેમના મેડિકલ ચેક-અપ સિવાય અન્ય કોઈ કાર્યક્રમમાં હાજર ન રહે. હાઈકોર્ટે નાયડુને મીડિયા અને રાજકીય ગતિવિધિઓમાં ભાગ ન લેવાનો પણ આદેશ આપ્યો છે.