ચોથી વખત આંધ્રપ્રદેશના CM બન્યા ચંદ્રાબાબુ, પવન કલ્યાણ D.CM
તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા એન ચંદ્રબાબુ નાયડુએ આજે આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. ટીડીપીએ ભાજપ અને પવન કલ્યાણની જનસેના પાર્ટી સાથે ગઠબંધન કરીને વિધાનસભા ચૂંટણી લડી હતી અને પ્રચંડ બહુમતીથી જીત મેળવી હતી.
આંધ્રના સીએમ તરીકે નાયડુનો આ ચોથો કાર્યકાળ છે. રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરે 74 વર્ષીય ચંદ્રબાબુ નાયડુને શપથ ગ્રહણ કરાવ્યા હતા. વિજયવાડાના ગન્નાવરમ એરપોર્ટ નજીક આવેલા કેસરપલ્લી આઈટી પાર્કમાં આયોજિત આ શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાનો જેપી નડ્ડા અને બંદી સંજય કુમાર સહિત અન્ય ઘણા નેતાઓએ હાજરી આપી હતી. અમિત શાહ અને જેપી નડ્ડા મંગળવારે સાંજે જ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે હૈદરાબાદ પહોંચી ગયા હતા. PM મોદીએ તેમને ગળે લગાવી લીધા હતા.
ચંદ્રબાબુ નાયડુ બાદ જનસેનાના વડા અને અભિનેતા પવન કલ્યાણે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. ચંદ્રાબાબુ નાયડુના પુત્ર અને ટીડીપીના મહાસચિવ નારા લોકેશને પણ ચંદ્રાબાબુ નાયડુ સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. ચંદ્રબાબુ નાયડુની સરકારમાં ડેપ્યુટી સીએમ સહિત 23 મંત્રીઓ છે. ટીડીપીના 19, પવન કલ્યાણ સહિત જનસેનાના 3 અને ભાજપમાંથી એક મંત્રી છે. એક જગ્યા ખાલી રાખવામાં આવી છે.
આ પણ વાંચો : નીતીશ-નાયડુ ક્યાં સુધી મોદી સાથે ટકી રહેશે એની કોઈ જ ગેરન્ટી નથી !
નોંધનીય છે કે આંધ્રપ્રદેશમાં લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઇ હતી. ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીએ જનસેના અને ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. વિધાનસભા ચૂંટણીમાં ચંદ્રબાબુ નાયડુની ટીડીપીને 135, પવન કલ્યાણની જનસેનાને 21 અને ભાજપને 8 બેઠકો મળી છે. કૉંગ્રેસ અહીં ખાતુ ખોલાવી શકી નથી અને અગાઉની જગન મોહન રેડ્ડીની YSRCPને માત્ર 11 બેઠકો મળી છે.
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના સુપ્રીમો એન ચંદ્રબાબુ નાયડુએ જાહેરાત કરી છે કે આંધ્રપ્રદેશ રાજ્યની માત્ર એક જ રાજધાની અમરાવતી જ હશે. નાયડુએ ટીડીપી, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને જનસેનાના ધારાસભ્યોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરી હતી.