‘આપ’એ છેતરપિંડીના આક્ષેપ સાથે હાઈ કોર્ટમાં ધા નાખી
ચંડીગઢ : આમ આદમી પાર્ટીએ મેયરની ગુરુવારે થયેલી ચૂંટણીને કોરે મૂકીને હાઈ કોર્ટના નિવૃત્ત જજના નિરીક્ષણ હેઠળ નવેસરથી ચૂંટણી યોજવાની માગણી સાથે પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટમાં અરજી નોંધાવી છે. ભાજપે મેયરના ત્રણેય હોદ્દા જીતી લીધા બાદ આપે આ પગલું ભર્યું હતું. કૉંગ્રેસ અને આપે મતદાનપત્ર સાથે પ્રિસાઈડિંગ ઓફિસરે ચેડાં કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
અરજી આપના નગરસેવક કુલદીપ કુમારે કરી છે જેઓ મેયરપદની ચૂંટણીમાં આપના ઉમેદવાર હતા એવી માહિતી પક્ષના સૂત્રોએ આપી હતી. સૂત્રોએ કહ્યું હતું કે અરજદારે ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પદ માટેની ચૂંટણીમાં છેતરપિંડી અને બનાવટ આચરવામાં આવ્યા હોવાથી તેને રદ કરવાની દાદ માગી હતી.
ઈન્ડિયા બ્લોકના પક્ષોએ ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ધમાલ કરી હતી અને સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
ચંડીગઢની મેયરપદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનોજ સોનકરે આપના ઉમેદવાર કુલદીપ કુમારને પરાજિત કર્યા હતા. આપે કૉંગ્રેસ સાથે યુતિ રચીને કુલદીપ કુમારને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા હતા. સોનકરે ૧૬ મત અને કુમારે ૧૨ મત હાંસલ કર્યા હતા. આઠ મત ગેરલાયક ઠરાવવામાં આવ્યા હતા. ભાજપના ઉમેદવાર કુલજિત સાંધુ અને રાજિન્દર શર્મા દરેકે ૧૬ મત મેળવ્યા હતા અને તેઓ અનુક્રમે સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાઈ આવ્યા હોવાની જાહેરાત કરાઈ હતી.
આપના ક્ધવીનર અરવિંદ કેજરીવાલે ભાજપ પર છેતરપિંડી કરવાનો આક્ષેપ કર્યો હતો.
૩૫ સભ્યોની ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ ૧૪ , આપ ૧૩ અને કૉંગ્રેસ સાત નગરસેવકો ધરાવે છે, શિરોમણી અકાલી દળ એક સભ્ય ધરાવે છે. કેજરીવાલે એક્સ પર પોસ્ટ મૂકીને ધોળે દહાડે કરાયેલી છેતરપિંડી બદલ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલે લોકસભાની ચૂંટણીનો દેખીતો ઉલ્લેેખ કરીને કહ્યું હતું કે જો આ લોકો મેયરની ચૂંટણીમાં આ સ્તરે જઈ શકે તો રાષ્ટ્રીય ચૂંટણીમાં ગમે તે સ્તરે જઈ શકે. આ બહું ચિંતાકારક છે. (એજન્સી)