ચંડીગઢ મેયર ચૂંટણી: સુપ્રીમે પરિણામ ઊલટાવ્યું ‘આપ’ના પરાજિત ઉમેદવારને વિજેતા જાહેર કર્યો
નવી દિલ્હી: ભાજપનો ઉમેદવાર વિજેતા જાહેર થયો હતો તે ચંડીગઢ મેયર ચૂંટણીનું પરિણામ સુપ્રીમ કોર્ટે મંગળવારે ઉલટાવ્યું હતું અને આપ-કૉંગ્રેસની યુતિના પરાજિત જાહેર કરાયેલા ઉમેદવાર કુલદીપકુમારને વિજેતા જાહેર કર્યો હતો.
૩૦ જાન્યુઆરીએ યોજાયેલી ચૂંટણીનાં આયોજનમાં ગંભીર ભૂલો જણાઈ આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે ચૂંટણીના રિટર્નિગ ઑફિસર અને ભાજપના નેતા અનિલ માસિહ સામે કેસ દાખલ કરવાનો પણ આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે અમે સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા રદ નથી કરી રહ્યા અને માત્ર મતગણતરીની પ્રક્રિયામાં
આચરવામાં આવેલી ગેરરીતિ સુધી જ તેને મર્યાદિત રાખી રહ્યા છીએ. કુમારની તરફેણમાં આપવામાં આવેલા આઠ મત સુપ્રીમ કોર્ટે અમાન્ય ઠેરવ્યા હતા.
મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે પુરાવા દર્શાવે છે કે માસિહે જાણીજોઈને આઠ બૅલેટ પેપર સાથે ચેડાં કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના મનોજ સોનકરે મેયરની ચૂંટણીમાં કુલદીપ કુમારને પરાજય આપ્યો હતો. (એજન્સી)
લોકશાહીનો આ મોટો વિજય: ‘આપ’
ચંડીગઢ: ચંડીગઢ મેયર ચૂંટણીને મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતાં ‘આપ’એ કહ્યું હતું કે લોકશાહીનો આ મોટો વિજય છે.
મેયરની ચૂંટણીમાં ગેરરીતિ આચરવાના પ્રયાસ અને અપ્રામાણિકતા દાખવવા બદલ ભાજપના નેતાએ દેશની માફી માગવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
‘આપ’ના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાએ ભાજપને ખુલ્લો પાડી દીધો છે અને તેને અરીસો દેખાડી દીધો છે. જો ભાજપમાં શરમ જેવી કોઈ વસ્તુ બાકી બચી હોય તો પક્ષના નેતાઓએ દેશની માફી માગવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
આ ખૂબ જ ગંભીર બાબત હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે આટલી નાની ચૂંટણીમાં પણ જો ભાજપ અને કેન્દ્ર સરકાર ખુલ્લેઆમ ગેરરીતિ આચરવાનો પ્રયાસ કરતી હોય અને અપ્રામાણિકતા દાખવતી હોય તો અન્ય ચૂંટણીઓમાં તો તેઓ શું શું કરશે કેમ કે ત્યાં તો માઈક્રોફોન કે સીસીટીવી કેમેરા પણ નથી હોતા.
૩૦ જાન્યુઆરીએ યોજાયેલી ચંડીગઢ મેયરની ચૂંટણીની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી અને પરિણામ જાહેર કરવામાં આવ્યાના દિવસો બાદ ‘આપ’ના નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા આક્ષેપ કર્યો હતો કે વિશ્ર્વનો સૌથી મોટો પક્ષ મત ચોરતા કેમેરામાં ઝડપાઈ ગયો હતો.
કેજરીવાલે એમ કહીને સુપ્રીમ કોર્ટના ચુકાદાને વધાવી લીધો હતો કે મુશ્કેલ સમયમાં કોર્ટના આ ચુકાદાએ લોકશાહીને બચાવી લીધી છે.
પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને એમ કહીને સુપ્રીમ કોર્ટના ચુકાદાને વધાવી લીધો હતો કે અંતે સત્યનો વિજય થયો છે. ભાજપને તેનાં ખોટા કર્મોનો જડબાતોડ જવાબ મળ્યો છે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)