ચંડીગઢમાં પાકિસ્તાનમાં બનેલા હેન્ડ ગ્રેનેડથી કરવામાં આવ્યો હતો હુમલો, જાણો NIA ની ચાર્જશીટમાં બીજો શું થયો ખુલાસો

નવી દિલ્હીઃ ચંડીગઢના સેક્ટર 10માં 2024ના સપ્ટેમ્બર મહિનામાં થયેલા ગ્રેનેડ હુમલામાં એનઆઈએ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. એનઆઈએ દ્વારા બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (બીકેઆઈ) નામના આતંકવાદી સંગઠનના ચાર આતંકીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
ચાર્જશીટમાં શું થયો મોટો ખુલાસો
NIA દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં થયેલા ખુલાસા મુજબ, બ્લાસ્ટ માટે જે હેન્ડ ગ્રેનેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પાકિસ્તાનમાં બનેલો HG-84 હતો. આ મામલે એનઆઈએની ચાર્જશીટમાં પાકિસ્તાન સ્થિત હરવિંદર સિંહ સંધૂ ઉર્ફે રિંદા અને અમેરિકામાં રહેતા હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાનું નામ સામેલ છે. આ બંનેને હુમલાના મુખ્ય કાવતરાખોર અને હેન્ડલર ગણાવવામાં આવ્યા છે. તેમના ઈશારા પર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ડ્રોનના માધ્યમથી પાકિસ્તાનના પંજાબથી ચંડીગઢમાં હેન્ડ ગ્રેન્ડ મોકલવામાં આવ્યા હતા. આ મામલાની આગામી સુનાવણી 15 એપ્રિલના રોજ થશે.
આ પણ વાંચો: મણિપુરમાં હેન્ડ ગ્રેનેડ સહિત હથિયારો પકડાયા…
આ પહેલા પંજાબ પોલીસે દાવો કર્યો હતો ચંડીગઢ ગ્રેનેડે હુમલાનું કાવતરું પાકિસ્તાન સ્થિત આતંકવાદી હરવિંદર સિંહ રોદા અને અમેરિકા સ્થિત ગેંગસ્ટર હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાએ રચ્યું હતં. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી હતી. આતંકવાદી હરવિંદર સિંહને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનું સમર્થન પ્રાપ્ત થયું છે. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ચંડીગઢના સેક્ટર 10 સ્થિત મકાનમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ બાદ મકાન માલિકે ઓટોમાં સવાર બે લોકોએ તેમના મકાન પર હેન્ડ ગ્રેનેડ ફેંક્યાનો દાવો કર્યો હતો.
એનઆઈએની તપાસ મુજબ હરવિંદર અને હેપ્પીએ હુમલા પહેલા સ્થાનિક સાથીદારોને બે વખત આ વિસ્તારની રેકી કરવાનો નિર્દેશ આપ્યો હતો. રેકી દરમિયાન હુમલાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો અને આ પછી આતંકીઓ દ્વારા ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ રીતે સમગ્ર કાવતરું પાર પાડવામાં આવ્યું હતું.