નવી દિલ્હી: ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કેબિનેટ પ્રધાન ચંપાઈ સોરેને કહ્યું હતું કે તેઓ રાજકારણમાંથી નિવૃત્તિ નહીં લે, પરંતુ હવે તેમણે તેમના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. એક ન્યૂઝ ચેનલને ચંપાઈએ કહ્યું કે અમે અમારી પોતાની સંસ્થા (પાર્ટી) બનાવીશું. અથવા તો અમારા જેવી જ વિચારધારા ધરાવતો નવો સાથી મળે તો તેની સાથે આગળ વધીશું. આ બે બાબતો પર વિચાર કરવાનો છે. આ જનતાની માંગ છે.
ચંપાઈ સોરેનની આ જાહેરાત શાસક જેએમએમની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. વાસ્તવમાં ચંપાઈ સોરેન, સોરેન પરિવારની ખાસ વ્યક્તિ રહી છે. આ જ કારણ હતું કે જ્યારે હેમંત સોરેન જેલમાં ગયા ત્યારે તેમણે મુખ્ય પ્રધાન પદ માટે ચંપાઈ સોરેન પર વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે જેલમાંથી બહાર આવતાની સાથે જ હેમંત સોરેને મુખ્ય પ્રધાન પદની કમાન સંભાળી લીધી હતી. આ જ કારણ છે કે ચંપાઈ હવે અસ્તિત્વ માટે નવા વિકલ્પો શોધી રહ્યા છે.
ભાજપના નેતાઓ સાથેની મુલાકાત પર નિવેદન
ચંપાઈએ કહ્યું હતું કે અમે દિલ્હીમાં ભાજપના કોઈ નેતાને મળ્યા નથી. હું મારા દીકરા અને પૌત્રને મળવા ગયો હતો. અરીસાની જેમ આપણે આપણા વિચારો અને અપેક્ષાને લોકો સમક્ષ મૂક્યા છે. અમે પહેલેથી જ આદિવાસીઓ, દલિતો અને ગરીબો માટે લડતા આવ્યા છીએ. ભવિષ્યમાં પણ લડતા રહીશું. અમે તે લોકોને તેમના અધિકારો અપાવીશું. અમે હવે નવી શરૂઆત કરી છે.
આ પણ વાંચો : શું JMMને ઝારખંડમાં ઝટકો લાગશે?, પૂર્વ સીએમ ચંપાઈ સોરેન દિલ્હી થયા રવાના…
તે જ સમયે જેએમએમ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ચંપાઈ અમારા આદરણીય નેતા છે અને પાર્ટીમાં જ રહેશે તેના પર તેમણે કહ્યું કે દરેક વ્યક્તિના પોતાના વિચારો હોય છે, જેએમએમના નેતાઓની વિચારસરણી સારી છે. વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે સમગ્ર ઝારખંડનો પ્રવાસ કરીશ.
જીતન માંઝીની ઓફર પર સ્પષ્ટતા
જીતન માંઝી એનડીએમાં તમારું સ્વાગત કરી રહ્યા છે. આના પર ચંપાઈએ કહ્યું કે જે કોઈ અમારા શુભચિંતક છે. ચાલો તેમનો આભાર માનીએ. તેમણે કહ્યું કે આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે અને તેને મારું નૈતિક સમર્થન છે.
જો ચંપાઈ ભાજપ સાથે જશે તો શું તેમને તેમના પ્રિયજનોનો ટેકો મળશે?
ચંપાઈના ગામના આદિવાસીઓનું કહેવું છે કે ચંપાઈ સાથે અન્યાય થયો હતો. તેમનું અપમાન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાનની ખુરશી પરથી બળજબરી હટાવવામાં આવ્યા હતા. ઝારખંડ મુક્તિ મોરચા ચંપાઈના કારણે આગળ વધ્યું છે. હવે ઝારખંડ મુક્તિ મોરચાને વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડી શકે છે. ચંપાઈને મુખ્ય પ્રધાન પદે જાળવી રાખવા જોઈતા હતા. ભવિષ્યમાં તેઓ જે પગલું લેશે તેને અમે સમર્થન આપીશું. તમારી પોતાની પાર્ટી બનાવો કે ભાજપ સાથે જાઓ. કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે જો તે ભાજપ સાથે જશે તો અમે તેમને સમર્થન નહીં આપીએ.