લંપટ ચૈતન્યાનંદે બેંક ખાતાં ફ્રીઝ થયાં હોવા છતાં 50 લાખ ઉપાડી લીધા !

નવી દિલ્હી: દિલ્હીની કોલેજમાં ૧૭ વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ કરવાના આરોપી સ્વામી ચૈતન્યાનંદ સાથે જોડાયેલી એક મોટી જાણકારી સામે આવી છે. છોકરીઓનું જાતીય શોષણ કરવાથી લઈને પોતાની લક્ઝરી કારો માટે બનાવટી રાજદ્વારી નંબર પ્લેટનો ઉપયોગ કરવા સુધી, સ્વયંભૂ ધર્મગુરુ સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી વિરુદ્ધના આરોપોની યાદી લાંબી અને ગંભીર થતી જઈ રહી છે.
મીડિયા અહેવાલો અનુસાર, ‘બાબા’ની વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી દરમિયાણ તપાસકર્તાઓએ કહ્યું હતું કે તેમની વિરુદ્ધ દાખલ થયેલી એફઆઈઆર બાદ તેમણે 50 લાખ કરતાં વધુની રકમ બેન્કમાંથી કાઢી લીધી હતી. ખાસ વાત છે કે દિલ્હી પોલીસે સ્વયંભૂ બાબા સાથે જોડાયેલા 18 બેન્ક એકાઉન્ટ અને 25 ફિક્સ ડિપોઝિટમાં જમા કરવામાં આવેલા 8 કરોડ રૂપિયા ફ્રીઝ કરી દીધા હતા.
અધિકારીઓ જણાવ્યું હતું કે ચૈતન્યાનંદે બેન્ક એકાઉન્ટને ચલાવવા માટે કથિત રીતે જુદા જુદા નામો અને સરનામાનો ઉપયોગ કર્યો હતો. જ્યારથી ચૈતન્યાનંદ, જેમને ડૉ. પાર્થસારથીના નામથી પણ ઓળખવામાં આવે છે, તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે, ત્યારથી ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. તેમાં, તેણે કેવી રીતે આર્થિક રીતે નબળા વર્ગોમાંથી આવતી છોકરીઓનું જાતીય શોષણ કર્યું. કેવી રીતે તે તેમના પર નજર રાખતો હતો. વળી વિરોધ કરવાની હિંમત કરનારને ફેલ કરવાની ધમકી પણ આપતો હતો.
FIRમાં જણાવવામાં આવ્યું છે કે સ્વામી ચૈતન્યાનંદ વોટ્સએપ અને એસએમએસ દ્વારા પણ વિદ્યાર્થિનીઓને અશ્લીલ મેસેજ મોકલતો હતો. આ રીતે વિદ્યાર્થિનીઓની માનસિક અને શારીરિક રીતે સતામણી કરવામાં આવતી હતી. વિરોધ કરનારી વિદ્યાર્થિનીઓને ભણતરની સાથોસાથ તેમનું ભવિષ્ય દાવ પર લગાવવાની પણ ધમકી આપવામાં આવતી હતી.”
શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટની હૉસ્ટેલમાં રહેતી 36 વિદ્યાર્થિનીએ પોલીસ તપાસમાં પોતાનું નિવેદન નોંધાવ્યું છે. 36 પૈકીની 17 વિદ્યાર્થિનીએ મેજિસ્ટ્રેટ સામે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સ્વામી ચૈતન્યાનંદ તેઓને ગાળો બોલતો હતો, અભદ્ર મેસેજ મોકલતો હતો અને ન કરવાની હરકતો કરવાનો પ્રયાસ કરતો હતો. ત્રણ મહિલા વોર્ડન બળજબરીપૂર્વક વિદ્યાર્થિનીઓને સ્વામી ચૈતન્યાનંદના રૂમ સુધી લઈ જતી હતી, એવું પણ વિદ્યાર્થિનીઓએ નિવેદન આપ્યું હતું.
હાલ પોલીસ પકડથી ફરાર ચૈતન્યાનંદ તરફથી દિલ્હીની એક અદાલતમાં આગોતરા જામીન માટેની અરજી પણ દાખલ કરવામાં આવી હતી. અદાલતે શુક્રવારે તેમની વિરુદ્ધ નોંધાયેલા કથિત નાણાકીય ગેરરીતિઓના એક કેસમાં જામીન અરજી ફગાવી દીધી. સ્વયંભૂ બાબા વિરુદ્ધ તપાસ દરમિયાન, એવું જાણવા મળ્યું કે તેમણે ખાતું ખોલાવતી વખતે અલગ-અલગ વિગતો ધરાવતા દસ્તાવેજો જમા કરીને કથિત રીતે બે જુદા જુદા નામથી બેંક ખાતું ઓપરેટ કર્યું હતું.
આ પણ વાંચો…ચૈતન્યાનંદના માત્ર વસ્ત્રો ભગવા મન તો કાળુંઃ આવી મોડ્સ ઑપરેન્ડી અપનાવી કરતો હતો છોકરીઓનું શોષણ